- 15 એપ્રિલે પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલ પાસે થઈ હતી હત્યા
- ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા SIT અને ન્યાયિક પંચની કરાઇ હતી રચના
- જુદી જુદી ક્રિમીનલ ગેંગ સાથે પણ સંકળાયેલા હતા હુમલાખોરો
કુખ્યાત માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા મામલે પ્રયાગરાજ પોલીસની SITએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પ્રયાગરાજની સીજેએમ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ SITએ ચાર્જશીટ દાખલ કરી છે. શૂટર લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સની સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 56 પેજમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સિવાય લગભગ 2000 પાનાની કેસ ડાયરી પણ સામેલ છે. 15 એપ્રિલના રોજ પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં હુમલાખોરો દ્વારા પોલીસ કસ્ટડીમાં અતીક અહેમદ અને અશરફની હત્યા કરવામાં આવી હતી.

SIT ઉપરાંત ન્યાયિક પંચની પણ કરાઇ હતી રચના
રાજ્ય સરકારે અતીક અને અશરફની હત્યાની તપાસ માટે SITની સાથે સાથે ન્યાયિક પંચની પણ રચના કરી હતી. મહત્વનું છે કે આ પહેલા એક અધિકારીએ માહિતી આપી હતી કે અતીક અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) 90 દિવસની નિર્ધારિત મુદત પૂરી થયા પછી તરત જ તેની ચાર્જશીટ દાખલ કરી શકે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 15 જુલાઈ સુધીમાં તેને કોર્ટમાં દાખલ કરવામાં આવશે.

હુમલાખોરોના પડોસીઓના લેવાયા નિવેદનો
પોલીસ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે SITએ ગહન તપાસ કરી અને ત્રણેય હુમલાખોરોના પાડોશીઓ, સંબંધીઓ અને મિત્રોના નિવેદનો લીધા છે. આ નિવેદનોના આધારે ચાર્જશીટમાં હુમલાખોરોને 'આક્રમક' ગણાવ્યા છે. હુમલાખોરો પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીની ગોગી અને સુંદર ભાટી ગેંગ જેવી ગુનાહિત ગેંગ સાથે પણ કથિત રીતે સંબંધ ધરાવતા હતા અને પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની સનસનાટીભર્યા હત્યા પાછળનો હેતુ ખ્યાતિ અને પૈસા કમાવવાનો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે, "ઉમેશ પાલની હત્યા બાદ અતીકનું મીડિયા કવરેજ જોયા પછી, હુમલાખોરોએ તેને ખતમ કરવાની અને પોતાનું મોટું નામ બનાવવાની યોજના બનાવી હતી.