- છત્તીસગઢ કોંગ્રેસ પ્રવક્તા રાધિકા ખેરાના આક્ષેપ
- કોંગ્રેસ મીડિયા અધ્યક્ષ પર લગાવ્યો અશ્લીલતાનો આરોપ
- પાર્ટીએ પણ કાર્યવાહી ન કરી હોવાનો કર્યો ઉલ્લેખ
લોકસભાની ચૂંટણીને લઇને પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે છત્તીસગઢ કોંગ્રેસને ઝટકો મળ્યો છે. કોંગ્રેસ પાર્ટીમાંથી કોંગ્રેસ પ્રવક્તા રાધિકા ખેડાએ પાર્ટી એકમ પર અપમાનનો આરોપ લગાવીને રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે તેમણે કોંગ્રેસ પર મોટા આક્ષેપ કર્યા છે.
રાધિકા ખેરાએ કોંગ્રેસ મીડિયા ચેરમેન પર લગાવ્યો આરોપ
રાધિકા ખેડાએ આરોપ લગાવ્યો છે કે છત્તીસગઢ કોંગ્રેસના નેતા સુશીલ આનંદ સુખાએ તેના બે સાથીઓ સાથે રાયપુરમાં પાર્ટી કાર્યાલયમાં તેની સાથે અશ્લીલતા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેમણે પક્ષના ટોચના નેતાઓને જાણ પણ કરી પરંતુ તેઓની સામે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું હતું.
એન્ટી હિંદુ વિચારધારાને સમર્થન ન આપતા મને ઇગ્નોર કરી
કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામા અંગે રાધિકા ખેરાએ જણાવ્યું કે રાહુલગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન છત્તીસગઢ કોંગ્રેસ મીડિયા અધ્યક્ષ સુશીલ આનંદ સુખાએ મને દારૂની ઓફર કરી અને તેઓ 5-6 પાર્ટી કાર્યકર્તાઓ સાથે નશાની હાલતમાં મારા રૂમનો દરવાજો ખખડાવતા હતા. આ અંગે મે સચિન પાયલટ અને જયરામ રમેશને વાત પણ કરી પણ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી. પછીથી મને સમજાયુ છે મને ઇગ્નોર કરવામાં આવી રહી છે કારણ કે મે એન્ટી હિંદુ વિચારધારાને અનુસરી ન હતી.
રાધિકા ખેરાએ પત્ર લખીને આપ્યુ રાજીનામુ
5મેના રોજ રાધિકા ખેરાએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે હા, હું એક છોકરી છું અને લડી શકું છું, અને હવે હું તે જ કરી રહી છું. હું મારા અને મારા દેશવાસીઓ માટે ન્યાય માટે લડતી રહીશ. આ લખાણ સાથે જ રાધિકા ખેડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર પણ લખ્યો હતો.
શું લખ્યુ હતું પત્રમાં ?
રાધિકા ખેડાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, પ્રાચીન સમયથી એ એક સ્થાપિત સત્ય છે કે જેઓ ધર્મનું સમર્થન કરે છે તેમનો વિરોધ કરવામાં આવે છે. હિરણ્યકશિપુથી લઈને રાવણ અને કંસ સુધી આના ઉદાહરણો છે. હાલમાં કેટલાક લોકો એવી જ રીતે ભગવાન શ્રી રામનું નામ લેનારાઓનો વિરોધ કરી રહ્યા છે.
રાધિકાએ લખ્યું કે જે પાર્ટીને મેં મારા જીવનના 22 વર્ષથી વધુ સમય આપ્યા. જ્યાં તેમણે NSUI અને AICCના મીડિયા વિભાગમાં સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કામ કર્યું. આજે મારે ત્યાં પણ આવા જ તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે હું મારી જાતને અયોધ્યામાં રામલલાના દર્શન કરતા રોકી શકી નથી. તેણે લખ્યું કે મારા ઉમદા કાર્યનો વિરોધ એ સ્તરે પહોંચી ગયો કે છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારી સાથે બનેલી ઘટનામાં મને ન્યાય ન મળ્યો. હું હંમેશા બીજાના ન્યાય માટે દરેક મંચ પરથી લડી છું, પરંતુ જ્યારે મારા પોતાના ન્યાયની વાત આવી ત્યારે મને પાર્ટીમાં હાર મળી.









