- જે.પી નડ્ડાએ ચિરાગ પાસવાન અને મંગલ પાંડે સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી
- શું હાજીપુર બેઠક પર ચિરાગ પાસવાન લડશે ?
- પશુપતિ પારસ હાજીપુર સીટથી સાંસદ છે.
બીજેપી દ્વારા લોકસભાના ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે. ઘણા સહયોગી રાજકીય પક્ષો આ અંગે સતત ભાજપના ટોચના નેતાઓને મળી રહ્યા છે. બિહારમાં ચિરાગ પાસવાન અને તેમના કાકા પશુપતિ પારસ પણ સીટ વહેંચણીને લઈને ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ચિરાગ પાસવાન 4 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા કરશે અને પોતે હાજીપુરથી દાવેદારી કરી શકે છે.
જે.પી નડ્ડા સાથે યોજી બેઠક
જેપી નડ્ડાએ ચિરાગ પાસવાન સાથે બેઠક યોજી હતી. આ બેઠક પહેલા મંગલ પાંડેએ પશુપતિ પારસ સાથે બેઠકની વહેંચણીને લઈને મુલાકાત પણ કરી હતી. આ બેઠકમાં મંગલ પાંડેએ પશુપતિ પારસને કહ્યું હતું કે ભાજપ હાજીપુર સીટ ચિરાગ પાસવાનને આપવા માંગે છે. મહત્વનું છે કે પશુપતિ પારસ હાજીપુર સીટથી સાંસદ છે.
હાજીપુરની સીટને લઇને ચર્ચા તેજ
ચિરાગ પાસવાનું કહેવું છે કે તે રામવિલાસ પાસવાનના રાજકીય ઉત્તરાધિકારી છે, તેથી તેમને ગઠબંધનમાં હાજીપુર સીટ મળવી જોઈએ. પશુપતિ પારસે દાવો કર્યો હતો કે રામ વિલાસ પાસવાને તેઓ જીવતા હતા ત્યારે તેમને હાજીપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, તેથી તેઓ હાજીપુર બેઠકના હકદાર માલિક છે. ચિરાગ આ બેઠક પર દાવેદારી દાખવવાને કારણે કાકા-ભત્રીજા વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે.
કાકા-ભત્રીજા વચ્ચે શા માટે તકરાર થાય છે?
વાસ્તવમાં રામવિલાસ પાસવાનના મૃત્યુ બાદ લોક જનશક્તિ પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. તેનો એક ભાગ ‘રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી’ તેમના ભાઈ પશુપતિ કુમાર પારસ સાથે છે, જ્યારે બીજો ભાગ તેમના પુત્ર ચિરાગ પાસવાન પાસે છે. હાલમાં રામવિલાસના ભાઈ અને ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસ હાજીપુર બેઠક પરથી સાંસદ છે. તેઓ એનડીએ સાથે છે અને સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ છે. ચિરાગ પાસવાન બિહારની જમુઈ લોકસભા સીટથી સાંસદ છે. રામવિલાસ પાસવાન લાંબા સમયથી હાજીપુર સીટથી સાંસદ છે. જ્યારે ચિરાગે આ સીટ પર દાવો કર્યો ત્યારે બંને કાકા-ભત્રીજા વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.









