- ચિરાગ પાસવાને ચૂંટણી લડવા અંગે કરી જાહેરાત
- એનડીએ સાથે સીટોની કરી છે વહેંચણી
- લોક જનશક્તિ પાર્ટીના ચીફ છે ચિરાગ પાસવાન
બિહારમાં NDAની સીટ વહેંચણીના બે દિવસ બાદ ચિરાગ પાસવાને મોટી જાહેરાત કરી છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાન તેમના પિતાની પરંપરાગત હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમણે બુધવારે આની જાહેરાત કરી હતી.
હાજીપુર એટલે રામવિલાસ પાસવાન ?
મહત્વનું છે કે ચિરાગ પાસવાનના પિતા સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન 9 વખત હાજીપુર સીટથી સાંસદ રહી ચુક્યા છે. તેમણે 1969માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ 1977માં હાજીપુરમાં તેમણે રેકોર્ડ બનાવ્યો ત્યારે આખા દેશે તેમનું નામ સાંભળ્યું. 1977ની ચૂંટણીમાં રામવિલાસ પાસવાન જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. તે ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવારને 4.25 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે કોઈ નેતાએ આટલી મોટી જીત હાંસલ કરી હોય. આ જીત એટલી મોટી હતી કે તેમનું નામ ગિનિસ બુકમાં પણ નોંધાયું હતું.
હાજીપુર સીટ પર છે રામવિલાસનો દબદબો
આ પછી હાજીપુર સીટ પર રામવિલાસ પાસવાનનો દબદબો બન્યો. 1984 અને 2009ની ચૂંટણીને બાદ કરતાં તેઓ અહીંથી અન્ય તમામ ચૂંટણી જીત્યા હતા. તેઓ અહીંથી 9 વખત સાંસદ રહ્યા છે. છેલ્લી વખત રામવિલાસ પાસવાને 2014માં અહીંથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ પછી તેઓ રાજ્યસભામાં ગયા. 2019માં તેમના નાના ભાઈ પશુપતિ પારસ અહીંથી સાંસદ બન્યા હતા.
પાસવાનની પાર્ટીને મળી 5 સીટ
બિહારમાં NDA અને તેના ઘટક પક્ષો વચ્ચે સીટની વહેંચણી પર સમજૂતી થઈ હતી. બીજેપીના મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડે, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે જેડીયુના સંજય ઝા અને એલજેપી (આર)ના રાજુ તિવારી બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી. રાજ્યમાં ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે નીતિશ કુમારની આગેવાની હેઠળની JDU 16 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાન RLSP 5 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLJD એક સીટ પર અને પૂર્વ સીએમ જીતન રામ માંઝીની HAM પાર્ટી એક સીટ પર ચૂંટણી લડશે.









