• અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે સંચારબંધી લદાઈ

  • COCOMI સંગઠનના આર્મી બેરિકેડ્સ હટાવવાના આહ્વાન બાદ નિર્ણય લેવાયો
  • પૂર્વ જિલ્લામાં સંચારબંધીમાં અપાયેલી રાહતોને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો

મણિપુરના પાંચ જિલ્લામાં મંગળવાર સાંજથી ફરીવાર સંપૂર્ણપણે કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ખીણ વિસ્તારમાં આવેલા આ પાંચ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ સંચારબંધી લદાઈ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રિટી (COCOMI) અને તેની મહિલા પાંખ દ્વારા ખીણ વિસ્તારમાં આવેલા તમામ જિલ્લાઓના લોકોને ચૂરાચંદ્રપુરથી ગણતરીના અંતરે આવેલા બિષ્ણુપુર જિલ્લાના ફોગકચાઓ ઇખાઇ ખાતે લગાવવામાં આવેલા આર્મી બેરિકેડ્સને છ સપ્ટેમ્બરે હટાવી દેવા કરાયેલા આહ્વાન બાદ સરકારે બિષ્ણુપુર, કાકચિંગ, થોઉબલ, ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં સંચારબંધીમાં અપાયેલી રાહતોને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં મણિપુર સરકારના પ્રવક્તા અને માહિતી અને જન સંપર્ક પ્રધાન સપમ રંજને કહ્યું હતું કે સરકાર COCOMI ને અપીલ કરે છે કે તે પોતાના આહ્વાનને પરત લે.

જરૂરી સેવા સાથે સંકળાયેલા લોકોને મુક્તિ

અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય, વીજળી, પીએચઇડી, પેટ્રોલ પંપ, જેવી જરૂરી સેવાઓના કર્મચારીઓ અને સ્કૂલ, કોલેજ, મ્યુનિસિપાલિટી, મીડિયા કોર્ટ અને ફ્લાઇટના મુસાફરોને કરફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવે. દરમિયાન COCOMI સંગઠનના મીડિયા સમન્વયક સોમેન્દ્રો થોકચોમે કહ્યું હતું કે કમિટીએ આ પહેલા સરકાર અને સત્તાધીશોને વિનંતી કરી હતી કે તે 30 ઓગસ્ટ સુધીમાં આર્મી બેરિકેડ્સને હટાવી દે. તેમણે કહ્યું હતું કે જો કંઈપણ અનિચ્છનીય ઘટના બનશે તો તેના માટે સરકાર જવાબદાર રહેશે.


  • Follow us on: