- વિપક્ષી ગઠબંધનને લઇને ઓમર અબ્દુલ્લાનું નિવેદન
- વિપક્ષી ગઠબંધનની સ્થિતિને લઇને કરી વાત
- સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ વચ્ચે લડાઇ
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે એક મંચ હેઠળ એકત્ર થયેલા 28 પક્ષો દરાવતા INDIA ગઠબંધનમાં સ્થિતિ ડામાડોળ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અંદરોઅંદર પાર્ટીઓ વચ્ચે પણ તણાવ જોવા મળી રહ્યો છે તેવામાં વિપક્ષી ગઠબંધનને લઇને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાનું નિવેદન સામે આવ્યું છે.
I.N.D.I.A ગઠબંધનની સ્થિતિ મજબૂત નહી- ઓમર અબ્દુલ્લા
તેઓએ જણાવ્યું વિપક્ષી ગઠબંધન I.N.D.I.A અંગે નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે રીતે લડાઈ થઈ છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. જે ગઠબંધન માટે સારું નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનની સ્થિતિ અત્યારે મજબૂત નથી. કેટલીક આંતરિક લડાઈઓ જોવા મળી રહી છે. આ ઝઘડાઓ ન થવા જોઈએ, ખાસ કરીને જે રાજ્યોમાં ચૂંટણી થવા જઇ રહી છે તેવા રાજ્યોમાં આતંરિક લડાઇ અને ઝઘડા ન થવા જોઇએ.
'વિધાનસભા ચૂંટણી પછી મળશું'
નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું, "જે રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લડાઈ શરૂ થઈ અને બંનેએ કહ્યું કે તેઓ યુપીની તમામ સીટો પર ચૂંટણી લડશે, તે ભારત ગઠબંધન માટે સારી વાત નથી. બની શકે છે કે આ વિધાનસભામાં ચૂંટણી પછી અમે ફરી મળીશું અને સાથે બેસીને સારી રીતે કામ કરવાનો પ્રયાસ કરીશું.
કોંગ્રેસ-સપા વચ્ચે જંગ
મહત્વનું છે કે મધ્ય પ્રદેશમાં સીટની વહેંચણીને લઈને કોંગ્રેસ અને સપા સામસામે આવી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયુ હતું. આ કારણે, અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે કુલ 45 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.









