- કેટલાક દેશમાં ફરીથી લોકોને માસ્ક પહેરવા અપીલ
- અમેરિકા અને સિંગાપુર સહિત કેટલાક દેશોમાં ઝડપથી વધી રહેલા નવા વેરિઅન્ટ FLiRTના કેસ
- નવા વેરિઅન્ટના કેસ ભારતમાં નોંધાતા આરોગ્ય મંત્રાલય દોડતું થયું
બે અઢી વર્ષ વિશ્વનાં અનેક દેશોમાં હાહાકાર મચાવ્યા પછી કોરોનાની મહામારીએ માંડ વિરામ લીધો હતો ત્યાં ફરીથી કોરોનાનાં નવા વેરિઅન્ટે માથું ઊંચક્યું હોવાનાં અહેવાલોએ ખળભળાટ મચાવ્યો છે. ભારતમાં કોરોનાનાં નવા વેરિઅન્ટનાં કેસ નોંધાતા સત્તાવાળાઓની દોડધામ અને ચિંતા વધી છે. અમેરિકા અને સિંગાપુર સહિત કેટલાક દેશમાં નવા વેરિઅન્ટ FLiRTનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ નવા વેરિઅન્ટ FLiRTનાં કેસ નોંધાતા આરોગ્ય મંત્રાલય દોડતું થયું છે. કેટલાક દેશોમાં તો લોકોને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)નાં રિપોર્ટમાં જણાવ્યા મુજબ થોડા સમય પહેલા પાણીમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ FLiRT જોવા મળ્યા હતા. અમેરિકા અને સિંગાપુર સહિત કેટલાક દેશમાં નવા વેરિઅન્ટનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. સિંગાપુરની સરકાર દ્વારા લોકોને ફરીથી માસ્ક પહેરવાની અપીલ કરી છે.
કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન જેવો જ છે
CDCનાં જણાવ્યા મુજબ 14થી 27 એપ્રિલ સુધીમાં KP.2 સબ વેરિઅન્ટનાં અમેરિકામાં 25 ટકા જેટલા કેસ નોંધાયા હતા. વિશ્વમાં કોરોનાનાં વેરિઅન્ટ JN.1 અને તેનાં સબ વેરિઅન્ટને મુખ્ય રીતે મૂલવવામાં આવે છે જેમાં KP.1 અને KP.2નાં કેસની સંખ્યા વધારે છે. સિંગાપુરમાં બે તૃતીયાંશથી વધુ કેસ KP.1 તેમજ KP.2 નાં છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન જેવો જ છે. જે ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવે છે.
નવા વેરિઅન્ટ FLiRT સામે એલર્ટ
સીડીસીનાં ડેટા મુજબ FLiRT વેરિઅન્ટનાં બે સ્ટ્રેન છે જેમાં KP.1.1 અને KP.2નો સમાવેશ થાય છે. આ બંને સ્ટ્રેઈન ઝડપથી વધી રહ્યા છે. બે અઠવાડિયામાં જ આ વેરિઅન્ટને કારણે સંક્રમણનાં કેસોમાં ઝડપી વધારો થયો છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ પબ્લિક હેલ્થનાં ડીન મેગન એલ. રૈનીએ કહ્યું હતું કે FLiRTમાં કેટલીક ચિંતાજનક વિશેષતા છે. જે વ્યક્તિનાં શરીરમાં પ્રવેશીને સંક્રમણને વધારે છે.
ભારતમાં નવા વેરિઅન્ટના કેસથી ચિંતા
ભારતમાં પણ કોરોનાનાં નવા વેરિઅન્ટ FLiRTનાં કેસ જોવા મળ્યા છે. દેશમાં આવા નવા 250થી વધુ કેસ નોંધાયા છે. આ પ્રકારનાં સંક્રમણ માટે ખાસ કરીને KP.2 અને KP1.1ને જવાબદાર ગણવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સબ વેરિઅન્ટ KP.2નાં નવા 91 કેસની ઓળખ કરાઈ છે. 15મી મે સુધીમાં પુણેમાં 51 લોકો નવા વેરિઅન્ટથી સંક્રમિત થયા હતા. થાણામાં નવા 20 કેસ જોવા મળ્યા છે.