દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં ગઈકાલે એક કેસ સામે આવ્યો. સોમવારે લેવામાં આવેલા સેમ્પલમાં કુલ 9 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે હવે નોઇડામાં કુલ 10 એક્ટિવ કોરોનાના કેસ થઇ ગયા છે. હાલમાં બધા દર્દીઓને ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

સોમવારે મળ્યો હતો એક કેસ 
સોમવારે નોઈડામાં પહેલો કેસ નોંધાયો હતો. જ્યાં 55 વર્ષીય મહિલા કોવિડ પોઝિટિવ મળી આવી હતી. ત્યારબાદ તંત્ર દોડતુ થયુ હતું. પરિણામે ટેસ્ટિંગ વધારતા મંગળવારે નવા 9 કેસ મળી આવ્યા. જો કે આ બાદ વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયુ છે તેમ જ લોકોને પણ સાવધાન રેહવા અપીલ કરી છે.

વહીવટી તંત્ર સજ્જ
નોઈડામાં જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતાં આરોગ્ય વિભાગે પણ ચિંતા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં કેસ વધુ ઝડપથી બહાર આવી શકે છે. જોકે સરકાર દ્વારા હોસ્પિટલ્સમાં સંપૂર્ણ તૈયારીઓ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેઓને ઓક્સિજન સપોર્ટ અને અન્ય જરૂરી તૈયારીઓ કરવા કહેવામાં આવ્યું છે.

દેશભરમાં કોરોનાના 1000 કેસ
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશભરમાંથી 1,000 થી વધુ કેસ નોંધાયા છે. સોમવાર સુધીમાં નોંધાયેલા કુલ કેસમાંથી આરોગ્ય વિભાગ દ્વારા 752 કેસની પુષ્ટિ કરવામાં આવી છે.

સૌથી વધુ કેસ કેરળમાં
નવા કેસોમાં કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર બીજા સ્થાને અને દિલ્હી ત્રીજા સ્થાને છે. નોઈડા દિલ્હીની બાજુમાં છે આથી અહીં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. કોરોનાના આંકડા માત્ર ભયાનક નથી, પરંતુ તેના કારણે થયેલા મૃત્યુએ પણ ફરી એકવાર લોકોમાં ભય પેદા કર્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કુલ 7 લોકોના મોત થયા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ લોકોના મૃત્યુનું કારણ કોરોના હતું કે નહીં.

  • Follow us on: