- મનીષ સિસોદિયાને ED દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા
- સિસોદિયા વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યા છેઃ ED
- કોર્ટે મનીષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
દિલ્હી લિકર પોલીસી કેસમાં આરોપી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વધુ 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ સિસોદિયાના 7 દિવસના વધુ રિમાન્ડની માંગણી કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે મોબાઈલના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને તેનો ડેટા કાઢવામાં આવી રહ્યો છે. EDની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે સિસોદિયાને 22 માર્ચ સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ED દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં જજ એમ.કે નાગપાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝોહેબ હુસૈન ED વતી હાજર થયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે સિસોદિયા વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યા છે. હવે ત્રણ લોકોની આમને સામને પૂછપરછ કરવાની છે. જેમાં દિલ્હીના આબકારી કમિશનર અને એક IAS અધિકારીનો સમાવેશ થાય છે.
મનીષ સિસોદિયા વતી તેમના વકીલ મોહિત માથુર EDનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કોર્ટને કહ્યું કે ફોન બદલવાનો મામલો CBIના રિમાન્ડનો એક ભાગ હતો, હવે તેના આધારે ફરીથી રિમાન્ડ આપી શકાય નહીં. એડવોકેટ માથુરે કહ્યું કે એક એજન્સીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈમેલ ડમ્પ અંગે પૂછપરછ કરી છે. આટલા દિવસો પછી ફરી એ જ પ્રશ્ન સમજની બહાર છે. સિસોદિયાએ પોતાના વકીલ દ્વારા કહ્યું કે જો 18 અને 19 માર્ચે તેમની જરૂર ન હોય તો તેમને જેલમાં મોકલવામાં આવે. જો કે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો છે.
હુસૈને કોર્ટને જણાવ્યું કે મનીષ સિસોદિયાને મોબાઈલ ફોન બદલવા અંગે અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. પરંતુ તેણે એક વખત પણ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમજ આ મોબાઈલ ફોનનો નિકાલ ક્યાં કરવામાં આવ્યો છે તે પણ જણાવ્યું નથી. હુસૈને કોર્ટને કહ્યું કે તેના મોબાઈલ અને ઈમેલ ડેટામાંથી ઘણી માહિતી મળી છે. આ માહિતીની ચકાસણી કરવાની બાકી છે.
આજે રિમાન્ડ પૂરા થતાં ED સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવા પહોંચી હતી. મનીષ સિસોદિયાની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી ભાજપ પર સતત પ્રહારો કરી રહી છે. ભૂતકાળમાં આ મુદ્દે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ખુદ વડાપ્રધાન પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ મુદ્દે તેમની પાર્ટી ઘરે-ઘરે જશે તેવી જાહેરાત કરી હતી. આ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે.
આઠ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી
સિસોદિયાની ધરપકડ કરતા પહેલા EDએ તેમની તિહાર જેલમાં લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઇડીના અધિકારીઓ મની ટ્રેલ કેસમાં તેમની પૂછપરછ કરી રહ્યા હતા. બાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સિસોદિયાએ પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને સહકાર આપ્યો ન હતો. જેના કારણે તેની ધરપકડ કરવી પડી હતી.









