- 2007ના કેસમાં મૃતક મહિલાના પતિ અને સાસુને અપાઈ હતી સજા
- સજાના વિરોધમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
- તપાસ અને પુરાવાના અભાવે ગુનેગારો સજાથી બચવા ન જોઈએ: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મહિલાઓ સામે થતાં અપરાધોને લગતા કેસોમાં સુનાવણીને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અદાલતોએ મહિલા વિરુદ્ધ અપરાધોના કેસોમાં સુનાવણી દરમિયાન સંવેદનશીલ રહેવું જોઈએ. જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે શુક્રવારે કેસમાં સુનાવણી દરમિયાન ચુકાદો સંભળાવ્યો હતો.
તો સાથે સાથે, કોર્ટે એક શખ્સ અને તેની માતા દ્વારા પોતાની પત્ની સાથે ક્રૂર વર્તન કરવાની સજાના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અપીલને પણ ફગાવી દીધી હતી. જણાવી દઈએ કે પીડિત પત્નીનું ઝેરને કારણે મોત થયું હતું.
અપીલ ફગાવતા સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે કોર્ટો પાસે આશા રાખવામાં આવે છે કે તે ગુનેગારોને પ્રક્રિયાત્મક અપૂર્ણ તપાસ અથવા પુરાવાઓના અભાવે સજાથી બચવા નહિ દે. જો આમ થાય છે તો પીડિત સંપૂર્ણપણે હતાશ થઈ જશે કે આરોપીઓની સજા નહિ મળે.
જણાવી દઈએ કે ઉત્તરાખંડ હાઈકોર્ટના માર્ચ 2014ના આદેશને પડકારતી બે દોષિતોની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે આ મામલામાં નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. 2007માં નોંધાયેલા કેસમાં નીચલી કોર્ટે મૃતકના પતિ અને સાસુને દોષિત ઠેરવ્યા હતા.
નીચલી કોર્ટે મૃતકના પતિ બલવીર સિંહને IPCની કલમ 302 (હત્યા) અને 498-A (પરિણીત મહિલા સાથે ક્રૂરતાપૂર્ણ વર્તન) હેઠળ ગુના માટે દોષિત ઠેરવ્યા હતા. ઉપરાંત, મૃતકની સાસુને IPC કલમ 498-A (કોઈ મહિલાના પતિ અથવા તેના પતિના સંબંધી દ્વારા તેની સાથે ક્રૂરતા) હેઠળ દોષિત ઠેરવવામાં આવી હતી.