- છેલ્લા નવ વર્ષમાં દેશમાં વૈશ્વિક કક્ષાની સંરચનાનું નિર્માણ થયું
- વંદે ભારત ટ્રેને નવા ભારતના દર્શન કરાવ્યા: યોગી આદિત્યનાથ
- અમૃત ભારતમાં 500 રેલવે સ્ટેશનોના રિનોવેશનનું કામ ઝડપી
આજે પીએમ મોદી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. RRTS કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી શારદા નવરાત્રીમાં તમારી આ ભેટ અમારા માટે એક ઉપહાર છે. છેલ્લા સાડા નવ વર્ષમાં આ દેશે વૈશ્વિક કક્ષાની સંરચનાઓને નિર્માણ પામતી જોઈ છે. અમૃત ભારતમાં 500 રેલવે સ્ટેશનોના રિનોવેશનનું કામ જે ઝડપે ચાલી રહ્યું છે તે આજે આખું ભારત જોઈ રહ્યું છે. વંદે ભારત ટ્રેને નવા ભારતના દર્શન કરાવ્યા છે અને આજે દેશની પહેલી ‘નમો ભારત’નો શુભારંભ કરવા માટે પીએમ મોદી તમારો આભાર. અમે તમારું સ્વાગત કરીએ છીએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું હતું કે મે 150 કિમી સુધી રેપિડ રેલની મુસાફરી જાતે કરી જોઈ છે. આ સેવા દિલ્હીથી મેરઠનું અંતર ઓછું કરી દેશે. આ પહેલા મેરઠને 12 લેન એક્સપ્રેસ હાઇવેની સાથે જોડવામાં આવ્યું છે. 12 લેન એક્સપ્રેસ હાઇવે ઉત્તર પ્રદેશમાં બનશે તે એક સમયે સ્વપ્ન હતું. પરંતુ મોદી છે તો સંભવ છે. જે અંતર કાપવામાં 4 કલાક લાગતાં હતા તે અંતર આજે માત્ર 45 મિનિટમાં કાપી શકાય છે. હવે રેપિડ રેલનો પ્રારંભ થવાની સાથે દિલ્હી મેરઠ વચ્ચેનું અંતર ઓછું કરવામાં મદદ મળશે.
વધુમાં યુપી સીએમ યોગી આદિત્યનાથે ભાજપ સરકારના વખાણ કરતાં કહ્યું કે વંદે ભારતે અમને નવા ભારતના દર્શન કરાવ્યા છે. આજે દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય નવા ઇન્ફ્રાસ્ટ્રકચરનું સાક્ષી બની રહ્યું છે. આ ડબલ એન્જિન સરકારના જ પ્રયાસો છે કે આજે ઉત્તર પ્રદેશના પાંચ શહેરોમાં મેટ્રો રેલ સેવાઓ ઉપલબ્ધ બની છે. જાન્યુઆરીમાં આગ્રામાં મેટ્રો રેલ સેવાઓ પણ શરૂ થઈ જશે. વારાણસીમાં રોપવે સેવાનું નિર્માણ પણ ચાલી રહ્યું છે.









