ચોમાસાની ધીરે ધીરે શરૂઆત થઇ રહી છે. કેરળમાં મે મહિનાની એન્ડમાં ચોમાસુ પહોંચવાનું છે. ત્યારે ચોમાસાની સાથે સાથે એક ચક્રવાતનું પણ આગમન થયુ છે જે બંગાળની ખાડી પર રચાયુ છે. આ વાવાઝોડુ આંદામાન સમુદ્ર દ્વારા ચોમાસાની સાથે કેરળમાં પ્રવેશ કરી શકે છે. ત્યારે આવો જાણીએ આ વાવાઝોડુ ક્યારે સક્રિય થશે અને કયા રાજ્યોમાં તેની અસર જોવા મળશે.
શક્તિ આવી રહ્યું છે
આ ચક્રવાતનું નામ શક્તિ આપવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, 16 થી 18 મે દરમિયાન આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ બનશે, જે 22 મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ 23 થી 28 મે વચ્ચે ચક્રવાત શક્તિને સક્રિય કરી શકે છે. જોકે ચક્રવાતનો માર્ગ અને ગતિ હજુ સુધી નક્કી થઈ નથી, પરંતુ તોફાન સક્રિય થવાની સંભાવના છે.
કયા શહેરોમાં જોવા મળશે અસર ?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આંદામાન સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણનું અવલોકન કર્યું છે, જે 16 થી 22 મે દરમિયાન ઓછા દબાણવાળા ક્ષેત્રમાં વિકસી શકે છે. આ સિસ્ટમ 23 થી 28 મે દરમિયાન ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે, જે ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ તેમજ બાંગ્લાદેશમાં ખુલના અને ચિત્તાગોંગના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું 13, મે 2025 સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને ઉત્તર આંદામાન સમુદ્રના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. છેલ્લા ૭ વર્ષમાં પહેલી વાર બંગાળની ખાડીમાં સમય પહેલાં ચોમાસુ પહોંચ્યું છે. ચક્રવાત શક્તિના સક્રિય થવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર, તોફાની પવન અને ભારે વરસાદ પડી શકે છે.
અહીં વરસશે વરસાદ
દિલ્હી, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં મે મહિનાના મધ્ય સુધી વાવાઝોડા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને છત્તીસગઢ સહિત દક્ષિણ અને મધ્ય રાજ્યોમાં પણ ચોમાસા પહેલાનો વરસાદ થવાની સંભાવના છે.