- રેમલ ચક્રવાતને લઇને નૌસેના સજ્જ
- 12 NDRFની ટીમ પણ તૈનાત
- કોલકાતા એરપોર્ટ 24 કલાક માટે બંધ
ચોમાસા પૂર્વે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલુ ચક્રવાત રેમલ પુર ઝડપે આગળ વધી રહ્યુ છે. જેની પશ્ચિમ બંગાળમાં અસર શરૂ થઇ ગઇ છે. કોલકાતામાં વરસાદ શરૂ થઇ ગયો છે. તો દરિયામાં પણ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.
મુસાફરો પરેશાન
પશ્ચિમ બંગાળમાં હાલની સ્થિતિ જોતા કોલકાતા એરપોર્ટને 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું છે. પહેલા બપોરે 12 વાગ્યાથી 21 કલાક સુધી બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ હવે સ્થિતિ જોતા 24 કલાક માટે એરપોર્ટ બંધ રહેશે. જેને લઇને મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર ચક્રવાત રેમલની અસરને કારણે હિતધારકો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ,
આ રાજ્યોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે આસામ, મેઘાલય અને ગાંગેય પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ગાંગેય પશ્ચિમ બંગાળમાં 26 અને 27મેએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આસામ અને મેઘાલયમાં 27, 28 અને 29મેના રોજ ભારેથી અતિભારે વરસાદને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ
- આસામ- રેડ એલર્ટ
- મેઘાલય- રેડ એલર્ટ
- ગાંગેય પ.બંગાળ- રેડ એલર્ટ
- નાગાલેન્ડ-ઓરેન્જ એલર્ટ
- મણિપુર-ઓરેન્જ એલર્ટ
- મિઝોરમ-ઓરેન્જ એલર્ટ
- ત્રિપુરા- ઓરેન્જ એલર્ટ
- અરુણચલ પ્રદેશ-ઓરેન્જ એલર્ટ
- પ.બંગાળ અને સિક્કિમ-ઓરેન્જ એલર્ટ
135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
ચક્રવાત 'રેમાલ' અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.સોમનાથ દત્તાએ જણાવ્યું હતું કે તે 26મી મેના રોજ મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી પસાર થઈને ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ દરમિયાન 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેનો વેગ 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. ચક્રવાત 'રેમાલ'ને લઈને NDRFની ટીમો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે.









