- 17 દિવસથી ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનને આજે મળી સફળતા
- ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા
- અથાક પ્રયત્નો કરનાર તમામ લોકો અને એજન્સીઓનો આભાર: શાહ
છેલ્લા કેટલાય દિવસોથી જે ક્ષણની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો તે આખરે આવી ગઈ છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોને 17 દિવસની ભારે જહેમત બાર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 17 દિવસ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનને આજે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા તમામ 41 શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. આ સફળતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તમામને અભિનંદન પાઠવ્યા છે.
પડકારજનક સ્થિતિનો સામનો કરવા માટે સલામ
તો ટનલ રેસ્ક્યૂના સફળ ઓપરેશન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ સમગ્ર દેશ માટે ખુશીના સમાચાર છે કે ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકો ભાઈઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. લાંબા સમય સુધી ટનલમાં પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે રાષ્ટ્ર તેમની હિંમતને સલામ કરે છે. અમારા સાથી નાગરિકોના જીવન બચાવવા માટે અથાક પ્રયત્નો કરનાર તમામ લોકો અને એજન્સીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
તમામ એજન્સીઓએ રાત દિવસ શ્રેષ્ઠ કામ કર્યું: ગડકરી
તો ઉત્તરાખંડ રેસ્ક્યૂ ઓપેરેશનની સફળતાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ પ્રતિક્રિયા આપી છે. ગડકરીએ કહ્યું છે કે હું સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના સફળ રેસ્ક્યૂ ઓપરેશનને લઈને હું અત્યંત ખુશ છું. PMOના નેતૃત્વમાં તમામ એજન્સીઓએ રાત દિવસ શ્રેષ્ઠ કામ કર્યું છે. સુરક્ષિત બહાર આવેલા તમામ શ્રમિકોને હું મારી શુભેચ્છાઓ આપું છું. શું તમામ કારીગરો જેમણે રેસ્ક્યૂ ઓપરેશનમાં ભાગીદારી આપી તે તમામને અભિનંદન પાઠવું છું. હવે ટનલનું સેફટી ઓડિટ પણ કરવામાં આવશે.
શ્રમિકોના પરિવારો માટે આ આનંદની ક્ષણ: રાજનાથ સિંહ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ટનલ દુર્ઘટનામાં ફસાયેલા તમામ શ્રમિકોના સુરક્ષિત બચાવના સમાચારથી હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આખો દેશ આ ઓપરેશન પર નજર રાખી રહ્યો હતો. ઓપરેશનની સફળતાથી સમગ્ર દેશે રાહતનો શ્વાસ લીધો છે. તમામ શ્રમિકોના પરિવારો માટે આ આનંદની ક્ષણ છે. હું તેના પરિવારને અભિનંદન આપું છું.
અત્યંત મુશ્કેલ અને પડકારજનક સ્થિતિમાં ફસાયેલા આ તમામ શ્રમિકોને સુરક્ષિત બચાવવામાં સૌથી મોટો ફાળો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી તમામ એજન્સીઓ NDRF, SDRF, ઉત્તરાખંડ પોલીસ અને ભારતીય સેનાનો છે. હું તે તમામને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
રાજનાથ સિંહે વધુમાં લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ સમગ્ર ઓપરેશન અંગે નિયમિત જાણકારી લઈ રહ્યા હતા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સ્થળ પર હાજર રહીને રેસ્ક્યૂ ઓપરેશનની પ્રગતિ પર નજર રાખી રહ્યા હતા. હું વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ધામી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને જનરલ વિકે સિંહની ભૂમિકા અને તેમની સંવેદનશીલતાની સરાહના કરું છું.