કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુરુવારે સ્પેસ સેક્ટરનાં વિકાસ માટે સ્થાપવામાં આવનાર સ્ટાર્ટ અપ્સ માટે રૂ. 1000 કરોડનાં વેન્ચર કેપિટલ ફંડને મંજૂરી આપવામાં આવી હતી. આને કારણે દેશમાં સ્પેસ સેક્ટરનાં 40 જેટલા સ્ટાર્ટ અપ્સને ફાયદો થશે અને આર્થિક ટેકો મળશે. આને કારણે ભારતમાં પ્રાઈવેટ સ્પેસ સેકટરનો ગ્રોથ શક્ય બનશે.
સ્પેસ ટેકનોલોજીમાં આધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર પણ શક્ય બનશે. કેન્દ્ર સરકાર દેશની સ્વેદશી સ્પેસ કંપનીઓ તેની કામગીરી અને પ્રોજેકટ્સ ચાલુ રાખે અને આધુનિક વિકાસ માટે વધારાનું રોકાણ કરતી રહે તેમ ઈચ્છે છે. સરકારે સ્પેસ સેક્ટર માટે વેન્ચર કેપિટલ માટે જે ફંડની રચનાનો સંકેત આપ્યો છે તેની જાહેરાત કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી હતી. જેમાં 2025-26માં રૂ. 150 કરોડ અને તે પછીનાં 3 વર્ષમાં રૂ.250-250 કરોડ ફાળવવાનું તેમજ 2029-30માં રૂ. 100 કરોડની રકમ ફાળવવાનું નક્કી કર્યું છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કેન્દ્રનાં પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા કરાઈ હતી. સ્પેસ સેક્ટરનાં વેન્ચર કેપિટલ ફંડનું સંચાલન ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર દ્વારા કરવામાં આવશે જે સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ખાનગી કંપનીઓની કામગીરીને પ્રમોટ કરતી કંપની છે. તેની ઓફિસ અમદાવાદ અને ભોપાલમાં આવેલી છે. પીએમ મોદીએ 2022માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. શરૂઆતમાં રૂ. 10થી 60 કરોડ રોકવામાં આવશે. સ્થાપવામાં આવનાર કંપનીનાં દરજ્જાને ધ્યાનમાં રાખીને પછી રોકાણ તબક્કાવાર વધારવામાં આવશે. તેનાં ગ્રોથની સંભાવના તેમજ નેશનલ સ્પેસ ક્ષમતાને ધ્યાનમાં લઈને સ્ટાર્ટ અપ્સમાં તબક્કાવાર રોકાણ કરવામાં આવશે. ગ્રોથનાં તબક્કામાં રોકાણ રૂ. 30 કરોડનું અને ગ્રોથનાં છેલ્લા તબક્કામાં રૂ. 30થી 60 કરોડનું રોકાણ કરાશે.










