ભારતમાં ઓછામાં ઓછા 20 ટકા સાઇબર ક્રાઇમ ડાર્ક વેબનો ઉપયોગ કરીને થઇ રહ્યા છે. એક સાઇબર સિક્યોરિટી કંપનીના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. ડાર્ક વેબ એ ઇન્ટરનેટ પરનું એવું પ્લેટફોર્મ છે કે જ્યાં સુધી સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ કરીને જ પહોંચી શકાય છે. ડાર્ક વેબ યુઝરની ઓળખ અને તેનું લોકેશન ટ્રેસ કરવું સામાન્ય રીતે ખૂબ મુશ્કેલ હોય છે.


સાઇબર સિક્યોરિટી કંપની લિસિએન્થસ ટેક દ્વારા કરાયેલા સ્ટડી મુજબ ભારતમાં 20 ટકા સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન એટેકર્સ દ્વારા ડાર્ક વેબનો ઉપયોગ થાય છે. એટેકર્સ સામાન્ય રીતે ડેટા બ્રીચ હેકિંગ, ફિશિંગ, રેન્સમવેર, આઇડેન્ટિટી થેફ્ટ તથા માદક પદાર્થો અને હથિયારો જેવી પ્રતિબંધિત ચીજોના ખરીદ-વેચાણ જેવા સાઇબર ક્રાઇમ્સને અંજામ આપવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરે છે. લિસિએન્થસ ટેકના સીઇઓ, ફાઉન્ડર ખુશહાલ કૌશિકે જણાવ્યું કે આ સ્ટડી દેશભરમાં નોંધાયેલા સાઇબર ક્રાઇમના ઘણા કેસોના સઘન વિશ્લેષણ આધારિત છે. બે મહિના સુધી સેમ્પલિંગ બેઝીસ પર આ સ્ટડી કરાયો હતો, જે ગયા અઠવાડિયે જ પૂરો થયો હતો. પોલીસ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો અને સાયબર ક્રાઇમ તથા અન્ય સંબંધિત પોર્ટલ્સના ક્રાઇમ ડેટામાંથી લેવાયેલા સેમ્પલ્સનો ઉપયોગ કરીને અને નિષ્ણાતો, સાઇબર સુરક્ષા સલાહકારો સાથે તેનું વિગતવાર વિશ્લેષણ કરીને સ્ટડી પૂર્ણ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં એક શખસની તેના ભાડાના ફ્લેટમાં ગાંજાની ખેતી કરવા બદલ અને ડાર્ક વેબ પર ગાંજો વેચવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે દિલ્હીમાં એઇમ્સ પર રેન્સમવેર હુમલા માટે પણ ડાર્ક વેબનો ઉપયોગ કરાયો હતો. રિપોર્ટ મુજબ છેલ્લા એક દાયકામાં ડાર્ક વેબનો ઉપયોગ બે ગણો વધ્યો છે અને તેનો ભોગ બનવાનું ટાળવા યુઝર્સે કોઇ પણ ઓનલાઇન નોટિફિકેશનને પોતાની ફેન બુક તથા અન્ય એપ્સની ઍક્સેસ માટે પરમિશન ન આપવી જોઇએ.


  • Follow us on: