મહાકુંભ મેળા માટે આ વખતે રેકોર્ડ સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. મહાકુંભમેળા દરમિયાન ભારતીય રેલવેએ લગભગ 3000 સ્પેશિયલ ટ્રેન સંચાલિત કરવાની તૈયારી કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્ર લખીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ માહિતી આપી છે. આગામી વર્ષના જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થવાનું છે. રેલવે મંત્રીએ મેળાના સમય દરમિયાન પ્રયાગરાજ ક્ષેત્રમાંથી પસાર થતી 10 હજાર નિયમિત ટ્રેનો ઉપરાંત 3000 સ્પેશિયલ ટ્રેનોની માહિતી આપી છે પણ તેમણે મોકલેલા પ્રેઝન્ટેશનમાં સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા 2,917 અને નિયમિત ટ્રેનોની સંખ્યા 10,100 જણાવાઈ છે. આ રીતે મહાકુંભ દરમિયાન રેલવે 13,071 ટ્રેનો દોડાવશે. રેલવેના અધિકારીઓ અનુસાર, સ્પેશિયલ ટ્રેનો દોડાવવા ઉપરાંત મંત્રાલયે મુસાફરો માટે વિભિન્ન પાયાનાં માળખાં અને સુવિધાઓના નિર્માણ કરવાનું નક્કી કર્યું છે.


ડબલ ટ્રેકના કામમાં ઝડપ આવી

કુંભ મેળા માટે પ્રયાગરાજ ડિવિઝન અને આસપાસનાં ક્ષેત્રોમાં 3,700 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ટ્રેકને ડબલ કરવાના કામની ઝડપ વધારવામાં આવી છે, જેથી ટ્રેનોનું વધુ સુગમ આવાગમન થઈ શકે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ડેપ્યુટી રવનીત સિંહ બિટ્ટુ અને વી સોમન્નાએ 12 જાન્યુઆરીથી શરૂ થનારા કુંભ મેળા દરમિયાન શ્રાદ્ધાળુઓની ભારે ભીડને નિવારવા માટે વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે શનિવારે બેઠકો યોજી હતી. અધિકારીએ જણાવ્યું કે રેલવે મંત્રી તૈયારીઓના નિરીક્ષણ માટે ઉત્તર રેલવે, ઉત્તર મધ્ય રેલવે અને પૂર્વોત્તર રેલવે જેવાં સંબંધિત ક્ષેત્રોના જનરલ મેનેજર્સ સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે નિયમિત વીડિયો કોન્ફરન્સ પણ કરે છે.

કુંભ મેળામાં 30-40 કરોડ શ્રાદ્ધાળુ ઊમટી શકે

અધિકારી અનુસાર, પ્રયાગરાજ, વારાણસી, દીનદયાલ ઉપાધ્યાય નગર અને લખનઉ જેવાં સંબંધિત રેલવે ડિવિઝનોના ડિવિઝનલ મેનેજર પણ વિભિન્ન વિકાસ કાર્યો પર નિયમિત અપડેટ આપવા માટે આ બેઠકોમાં ભાગ લે છે. કુંભ મેળામાં 30થી 50 કરોડ શ્રાદ્ધાળુઓ સામેલ થવાની અપેક્ષા છે, તેથી રેલવે મંત્રાલયે પ્રયાગરાજ માટે જુદાં જુદાં શહેરોમાંથી 10,100 નિયમિત ટ્રેનો ઉપરાંત 3,000 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજના કરી છે.

રોડ ઓવરબ્રિજના કામ માટે 440 કરોડ રૂપિયા ખર્ચાશે

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે વિભિન્ન રોડ ઓવરબ્રિજના કામ પર લગભગ 440 કરોડ રૂપિયા ખર્ચ થવાની અપેક્ષા છે. અધિકારીએ કહ્યું કે બાકીના 495 કરોડ રૂપિયા જુદી જુદી પ્રવૃત્તિઓ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જેમ કે, સ્ટેશનો સુધી પહોંચતા રસ્તાનું સમારકામ, પ્લેટફોર્મ અને તેની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવા, સ્ટેશન પર વેઇટિંગ રૂમ ઉપરાંત મુસાફરો માટે વધારાના આવાસ એકમો અને પૂરતી ચિકિત્સા સુવિધા.


  • Follow us on: