• UNના નવા રિપોર્ટમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી

  • ભારતમાં 2021થી 2023 દરમિયાન 19.46 કરોડ લોકો કુપોષિત હતા
  • 38% ભારતીયોને બિનપૌષ્ટિક આહાર મળી રહ્યો છે

ભારતની અડધીથી વધારે (55.6 ટકા) વસ્તી પૌષ્ટિક આહારનો ખર્ચ ઉઠાવવા સમર્થ નથી. 2020માં વિશ્વમાં કોરોના મહામારી ફેલાઇ હતી તે વર્ષને બાદ કરતા આ રેશિયો સતત વધતો રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ના નવા રિપોર્ટ 'સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ'માં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

રિપોર્ટ મુજબ આ સ્થિત દક્ષિણ એશિયાના તમામ દેશોની સરેરાશ (53.10 ટકા)થી વધારે છે. 2022માં પાકિસ્તાન (58.7 ટકા) બાદ આ ક્ષેત્રમાં વસ્તીનો બીજો સૌથી મોટો હિસ્સો છે. જોકે રિપોર્ટમાં અફઘાનિસ્તાનના આંકડા ઉપલબ્ધ નહોતા. 2017માં ભારતમાં સ્વસ્થ આહારનો ખર્ચ ઊઠાવવા અસમર્થ વસ્તીનું પ્રમાણ 69.5 ટકા હતું. યુએનની પાંચ એજન્સીઓ દ્વારા પ્રકાશિત આ રિપોર્ટમાં મુખ્ય ચાર બાબતના આધારે સ્વસ્થ આહારની વ્યાખ્યા કરાઇ છે. તેમાં વિવિધતા એટલે કે અલગ અલગ પૌષ્ટિક ખાદ્ય સમૂહ, પર્યાપ્તતા એટલે કે આવશ્યકતાઓની સરખામણીમાં તમામ આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતા, સંયમ એટલે કે ખાદ્ય પદાર્થ અને પોષક તત્વ જે ખરાબ સ્વાસ્થ્ય પરિણામો સાથે સંબંધિત છે તેની પસંદગી ન કરવી અને સંતુલન એટલે કે ઊર્જા અને મેક્રોન્યૂટ્રિઅન્ટનું સેવન સામેલ છે. ભારતમાં વર્ષ 2021થી 2023 દરમિયાન 19.46 કરોડ લોકો કુપોષિત હતા, જે કુલ વસ્તીના 13.7 ટકા છે. આ જ રીતે 2021માં કુપોષિત બાળકોની સંખ્યા 2.19 કરોડ (18.7 ટકા) હતી, જે 2022માં વધીને 3.61 કરોડ (31.7 ટકા) થઇ હતી.

38% ભારતીયોને બિનપૌષ્ટિક આહાર મળી રહ્યો છે

ચાલુ વર્ષે મે મહિનામાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ 2024 ફૂડ આઇટમ્સ ફોર હેલ્ધી ડાયટ્સ એન્ડ ન્યુટ્રિશન મુજબ 38 ટકા ભારતીય વસ્તી બિનપૌષ્ટિક આહાર લે છે જ્યારે માત્ર 28 ટકા ભારતીયો તમામ પાંચ પૌષ્ટિક ખાદ્ય સમૂહ લે છે, જેમાં ઓછામાં ઓછું એક સ્ટાર્ચયુક્ત મુખ્ય ભોજન, એક ફળ, એક દાળ, અખરોટ કે અન્ય સુકા મેવા સામેલ છે. વૈશ્વિક સ્તરે 35.4 ટકા લોકો સ્વસ્થ આહારનો ખર્ચ ઊઠાવવા અસમર્થ હતા. તેમાંથી 64.8 ટકા આફ્રિકામાં અને 35.1 ટકા એશિયામાં હતા.

  • Follow us on: