દેશની વડી અદાલતોમાં પડતર કેસોની સંખ્યા મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. વિભિન્ન હાઇકોર્ટ્સમાં હાલ 62 હજાર જેટલા કેસો એવા છે જે 30 વર્ષ કરતા પણ વધારે જૂના છે અને હજુ સુધી તે કેસોનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ કેસોમાં ત્રણ કેસ એવા પણ છે જે છેક 1952થી પોતાના ઉકેલની રાહ જોઈ રહ્યા છે.
સરકારી ડેટા અનુસાર 1954થી હાઇકોર્ટમાં પડતર રહેલા કુલ ચાર કેસ છે જ્યારે વિવિધહાઇકોર્ટ્સમાં છેક 1955થી પેન્ડિંગ પડી રહેલા કેસોની સંખ્યા નવ જેટલી છે. 1952થી પડતર રહેલા ત્રણ કેસ પૈકી બે કેસ કોલકાતા હાઇકોર્ટમાં પેન્ડિંગ પડેલા છે જ્યારે એક કેસ મદ્રાસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ સપ્તાહની શરૂઆતમાં જિલ્લા ન્યાયિક વ્યવસ્થાના રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દેશની ન્યાયિક વ્યવસ્થામાં સ્થગનની સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાની તાતી જરૂરિયાત હોવા પર પ્રકાશ નાખ્યો હતો. તેમણે આ વાત પર ભાર આપ્યો હતો કે લાંબા સમયથી પડતર રહેલા કેસ અને મામલાઓનો બેકલોગ એક મહત્ત્વપૂર્ણ પડકાર રજૂ કરે છે. તમામ હિતધારકોએ આ સમસ્યાનું સમાધાનની બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ.
કેટલીક હાઇકોર્ટ્સે અસરકારક ઉપાય લાગુ કર્યા
મેઘવાલે વધુમાં ઉમેર્યું હતું કે આ સમસ્યાના જવાબમાં કેટલીક હાઇકોર્ટ્સ દ્વારા અસરકારક ઉપાયો લાગુ કરવામાં આવ્યા છે. મેઘવાલે વયનું વિશ્લેષણ અને સમાન મામલાઓના ક્લબિંગ જેવી ધારણાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ વિધિઓએ નિર્દિષ્ઠ સમયની અંદર જ પડતર કેસોનો ઉકેલ લાવવામાં મદદ કરી છે. વર્તમાન સમયમાં જિલ્લા અદાલતો, હાઇકોર્ટ્સ અને સર્વોચ્ચ અદાલત સહિત વિવિધ અદાલતોમાં પાંચ કરોડ કરતા પણ વધારે કેસો પડતર છે.
NJDG ના ડેટાથી ચોંકાવનારી માહિતી સામે આવી
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (NJDG)ના જણાવ્યા અનુસાર દેશની વિવિધ હાઇકોર્ટ્સમાં હાલ 58.59 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. આ કેસોમાં 42.64 લાખ કેસ દીવાની પ્રકારના છે જ્યારે 15.94 લાખ કેસ ફોજદારી ગુનાઓને લગતા છે. NJDGએ વધુમાં જણાવ્યું હતું કે હાઇકોર્ટ્સમાં પડતર રહેલા લગભગ 2.45 લાખ કેસો એવા છે જે 20થી 30 વર્ષ જેટલા જૂના છે.
તારીખ પે તારીખની ધારણા તોડવી જરૂરી
કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ પણ ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર હતા અને તેમણે પોતાના સંબોધનમાં આ ધારણા તોડવાનું આહ્વાન કર્યું હતું કે ભારતની અદાલતો તારીખ પે તારીખની સંસ્કૃતિનું પાલન કરે છે. મેઘવાલે જણાવ્યું હતું કે કાયદા મંત્રાલયે કોર્ટોમાં પડતર રહેલા પાંચ, 10,15, 20 અને 30 વર્ષથી પડતર રહેલા કેસોનું વિશ્લેષણ કર્યું હતું.
25-30 ટકા કેસ તરત બંધ કરી શકાય તેમ છે
મેઘવાલે વધુમાં જણાવ્યું હતું કે આવા પડતર કેસોમાં સામેલ પક્ષકારો અથવા તો હાજર નથી કે પછી પોતાના કેસોને આગળ વધારવામાં કોઈ રસ નથી. તેમણે કહ્યું હતું કે આવા કેસો પૈકીના 25થી 30 ટકા કેસોને તો તરત જ બંધ કરી શકાય તેમ છે.