ભારત સહિત વિશ્વના અલગ અલગ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિશ્વના 121 દેશોના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. તેમાં રાજધાની દિલ્હી, કોલકાતા અને મુંબઇનો સમાવેશ થાય છે.


સ્વિસ કંપની આઇક્યૂએર દ્વારા આપવામાં આવેલા લાઇવ રેન્કિંગમાં રાજધાની દિલ્હી બુધવારના રોજ પ્રથમ ક્રમે રહ્યું છે.આઇક્યૂએરની લાઇવ રેન્કિંગ જોતાં જાણકારી મળે છે કે 515 એક્યૂઆઇ સાથે દિલ્હી સમગ્ર વિશ્વમાં પ્રદૂષિત શહેર છે. જોકે ભારતમાં હવામાનનો મિજાજ હવે બદલાઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં થયેલી બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારમાં પણ તાપમાન નીચું આવી રહ્યું છે. રેન્કિંગમાં મુંબઇ શહેર 158 એક્યૂઆઇ સાથે 10મા સ્થાને રહ્યું છે. તે પછીના ક્રમે કોલકાતા છે. કોલકાતામાં એક્યૂઆઇ 136 નોંધાયો છે. આઇક્યૂએરના લાઇવ રેન્કિંગમાં પાકિસ્તાનનું લાહોર શહેર બીજા સ્થાને છે, જ્યાંનો એક્યૂઆઇ 432 છે. કરાચી શહેરનો પણ યાદીમાં સમાવેશ થાય છે. કરાચી શહેર 147 એક્યૂઆઇ સાથે 14મા ક્રમે રહ્યું છે. સામાન્યપણે પ્રદૂષણની સપાટી એર ક્વોલિટી ઇન્ડેક્સ આધારે માપવામાં આવે છે. વિદેશી માપદંડો મુજબ 200થી વધુના એક્યૂઆઇ લેવલને ખૂબ ખરાબ માનવામાં આવે છે. 300થી ઉપરના સ્તરને ગંભીરપણે ખરાબ માનવામાં આવે છે. એક્યૂઆઇ લેવલ 0-50 વચ્ચે રહે તો સારું માનવામાં આવે છે. એક્યૂઆઇ લેવલ 201થી 300 વચ્ચે હોય તો ખતરનાક અને 301થી વધુ હોય તો ખૂબ ખતરનાક માનવામાં આવે છે.

કોંગોનું કિંશાસા યાદીમાં ત્રીજા ક્રમે

પ્રદૂષિત શહેરોમાં કોંગો પ્રજાસત્તાકનું કિંશાસા શહેર ત્રીજા ક્રમે રહ્યું છે. અહીં 193 એક્યૂઆઇ નોંધાયો છે. ઇજિપ્તનું કાહિરા શહેર 184 એક્યૂઆઇ સાથે ચોથા ક્રમે છે. વિયેતનામની રાજધાની હનોઈ 168 એક્યૂઆઇ લેવલ સાથે રેન્કિંગમાં પાંચમા સ્થાને છે. કતાર દેશનું દોહા શહેર રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને તો સાઉદી અરબનું રિયાધ શહેર સાતમા ક્રમે છે. ઇન્ડેક્સમાં 8મા સ્થાને કાઠમંડુ, નવમા સ્થાને મોંગોલિયાનું ઉલ્લાનબટાર રહ્યું છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા 122 આઇક્યૂઆઇ લેવલ સાથે યાદીમાં 17મા ક્રમે રહ્યું છે. ચીનના સાત શહેરોનો પણ યાદીમાં સમાવેશ થાય છે.


  • Follow us on: