- રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા
- તાજેતરમાં રાજકુમાર આનંદના ઘરે EDના દરોડા પાડવામાં આવ્યાં હતા
- રાજકુમારે આમ આદમી પાર્ટી અને મંત્રી પદ બંનેમાંથી રાજીનામું આપ્યું
દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપી દીધું છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
AAP અને મંત્રી પદ બંનેમાંથી આપ્યું રાજીનામુ
રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટી અને મંત્રી પદ બંનેમાંથી રાજીનામું આપી દીધું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં રાજકુમાર આનંદ આમ આદમી પાર્ટીની ટિકિટ પર પટેલ નગરથી ધારાસભ્ય બન્યા હતા.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજકુમાર આનંદની પ્રતિક્રિયા
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતી વખતે પૂર્વ મંત્રી રાજકુમાર આનંદે કહ્યું હતું કે, હું દિલ્હી સરકારમાં મંત્રી છું અને મારી પાસે સાત વિભાગો છે પરંતુ આજે હું ખૂબ જ દુઃખી છું અને મારું દુઃખ વહેંચી રહ્યો છું.
રાજકારણ બદલાયું નથી પણ રાજકારણી બદલાયા
હું રાજકારણમાં ત્યારે આવ્યો જ્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રાજકારણ બદલાશે તો દેશ બદલાશે. જોકે આજે અફસોસ સાથે કહેવું પડે છે કે રાજકારણ બદલાયું નથી પણ રાજકારણી બદલાયા છે.
આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો
રાજકુમાર આનંદે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે આ પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. મંત્રી પદ પર રહીને આ સરકાર માટે કામ કરવું મારા માટે અસહજ બની ગયું છે. હું હવે આમ આદમી પાર્ટી અને આપ સરકાર અને મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું કારણ કે હું નથી ઈચ્છતો કે મારું નામ તેમના ભ્રષ્ટાચાર સાથે જોડાય.









