દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ ધ રીટ્રીટ સમારોહનું આયોજન કરાયુ છે. આ સાથે ચાર દિવસના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોનું સમાપન થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા છે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા છે.
દેશભક્તિની ધૂન કરાઇ રજૂ
આ સમારોહ દેશની લશ્કરી પરંપરાઓની ભવ્યતા દર્શાવે છે. જેમાં ત્રણેય સેનાઓ અને CAPF ના બેન્ડ દ્વારા દેશભક્તિની ધૂન રજૂ કરવામાં આવી. વિજય ચોકની તમામ મુખ્ય ઇમારતોને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવી છે.
રાષ્ટ્રપતિએ લહેરાવ્યો તિરંગો
કાર્યક્રમની શરૂઆત સેના દ્વારા રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સલામી આપીને કરવામાં આવી હતી. આ પછી રાષ્ટ્રગીત ગાઇને તિરંગો ફરકાવવામાં આવે છે. એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવે છે. સમારંભના અંતે ધ્વજ નીચે ઉતારવામાં આવે છે.
મહત્વનું છે કે આ સમારોહ પહેલા 28 જાન્યુઆરીના રોજ વિજય ચોક ખાતે ફુલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. જેમાં આર્મી, નેવી, એરફોર્સ અને CAPF ના બેન્ડે અદ્ભુત ધૂન રજૂ કરી હતી. આ કારણે વિજય ચોક અને તેની આસપાસના કેટલાક રસ્તાઓ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કેમ યોજાય છે 'બીટિંગ ધ રીટ્રીટ સેરેમની
બીટિંગ રીટ્રીટ સમારોહ એટલે સેનાનું બેરેકમાં પાછા ફરવું. આ પરંપરા રાજાઓ અને સમ્રાટોના સમયથી ચાલી આવે છે. જેમાં સેના આખો દિવસ લડતી અને પછી સૂર્યાસ્ત પછી સૈનિકો લડવાનું બંધ કરી દેતા. તે સમયે એક સંગીત વગાડવામાં આવતું હતું જેને બીટિંગ રીટ્રીટ કહેવામાં આવતું હતું. પ્રજાસત્તાક દિવસ પછી બીટિંગ રીટ્રીટ પણ એ જ પરંપરાને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે. જેમાં સૂર્યાસ્ત પછી રાષ્ટ્રગીત પછી રાષ્ટ્રધ્વજ નીચે ઉતારવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસના ચોથા દિવસે 'બીટિંગ ધ રીટ્રીટ સેરેમની'નું આયોજન કરવામાં આવે છે.










