લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને રાજકીય ગરમાવો હજી યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચિત્તોડગઢના સાંસદ અને રાજસ્થાન ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ કોંગ્રેસ નેતાનો પાસપોર્ટ રદ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે.
બીજેપી નેતા આકરા પાણીએ
બીજેપી સાંસદ સીપી જોશીએ ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ વ્યક્તિ દેશમાં ગમે ત્યાં જઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તેને આવું કરવાની આઝાદી છે. પરંતુ હું રાહુલ ગાંધી અને કોંગ્રેસને પૂછવા માંગુ છું કે દુનિયાનો એવો કયો નેતા છે જણાવો જે ભારતમાં આવીને પોતાના દેશના જ સુરક્ષા દળો, ખેડૂતો અને પછાત વર્ગો વિશે જેમ ફાવે તેમ બોલતું હોય ?
લોકસભા સ્પીકરને લખ્યો પત્ર
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને આપણા દેશ વિશે ખરાબ બોલવાનો અધિકાર કોણે આપ્યો? કાં તો તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો સરકારે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવો જોઈએ. આ માટે મેં લોકસભા અધ્યક્ષને ઓમ બિરલાને અપીલ કરી છે.
સીપી જોષીએ શું કહ્યું?
લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં ભાજપના સાંસદ સીપી જોશીએ કહ્યું છે કે એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે વિદેશની ધરતી પર રાહુલ ગાંધીના નિવેદનો કોઈ પણ રીતે યોગ્ય નથી. સાંસદે કહ્યું કે સરહદોની આંતરિક સ્થિરતા અને સુરક્ષા ઉપરાંત રાહુલ ગાંધીના નિવેદનો આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ અસર કરી શકે છે કારણ કે નેતા વિપક્ષમાં પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે.
વિપક્ષના નેતા પદેથી રાજીનામાની માગ
સાંસદ સીપી જોશીએ તેમના પત્રમાં કહ્યું છે કે રાહુલ ગાંધીના નિવેદનો રાજકીય નથી પરંતુ સંપૂર્ણ રીતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના દાયરામાં આવે છે, જે તેમના વર્તનને શંકાસ્પદ બનાવે છે. આવા પાયાવિહોણા અને દેશની છબીને કલંકિત કરનારા નિવેદનોને અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં ન જોઈ શકાય, આવી સ્થિતિમાં રાહુલે વિપક્ષના નેતાના મહત્વના પદ પરથી રાજીનામું આપી દેવું જરૂરી બની જાય છે.