જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હાલ પુરતી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે રાજ્યોમાં પ્રદેશ પ્રમખની ચૂંટણી યોજાવાની હતી તે પણ સ્થગિત કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ચૂંટણી સ્થગિત થતાં હાલના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે યથાવત રહેશે. જ્યારે ગુજરાતમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ યથાવત રહેશે.


હાલ પુરતા રાષ્ટ્રીય પ્રમુખ યથાવત રહેશે

ભાજપ દ્વારા આગામી મે મહિનામાં પક્ષના નવા પ્રમુખની તાજપોશી કરવાની હતી. પરંતુ જમ્મુ કાશ્મીરના હુમલાની ઘટના બાદ આ ચૂંટણી સ્થગિત કરી દેવાતા ફરી ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત પણ આગામી સમયમાં કરવામાં આવશે. હાલ પુરતા રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખો તેમના પદ સ્થાને યથાવત રહેશે. ભાજપમાં જે.પી નડ્ડા બાદ નવા અધ્યક્ષ કોણ હશે તેની ખૂબ ચર્ચાઓ છે. છેલ્લા છ મહિનાથી ભાજપના નવા અધ્યક્ષ માટેના અનેક નામોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ હાલ પુરૂતુ તેના પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

પાટીલ બાદ નવા પ્રમુખ કોણ હશે તેની પણ ચર્ચાઓ શરૂ

ગુજરાતમાં સી.આર. પાટીલ બાદ નવા પ્રમુખ કોણ હશે તેની પણ ચર્ચાઓ હાલમાં આસમાને છે. ગુજરાતના જે નેતાઓને પ્રમુખ પદ માટે તૈયાર કરવામાં આવ્યા હતાં. તેમણે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. પરંતુ હાઈકમાન્ડે અચાનક રાષ્ટ્રીય પ્રમુખ માટેની ચૂંટણી સ્થગિત કરી દેતા તેમની તૈયારીઓ પર પાણી ફરી વળ્યુ છે. આ ઉપરાંત રાજ્યમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે પણ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ચૂંટણી પણ હવે બાદમાં યોજાશે તેવું જાણવા મળ્યું છે.

  • Follow us on: