• કોરોનાને કારણે વસ્તી ગણતરી મોકૂફ રખાઈ હતી

  • કામગીરી પૂર્ણ કરવામાં 18 મહિનાનો સમય લાગી શકે છે, 2026માં રિપોર્ટ જાહેર કરવામાં આવશે
  • વડાપ્રધાન મોદી પોતાના ત્રીજા કાર્યકાળમાં આ કામગીરીને પૂર્ણ કરવા માંગે છે

ભારતમાં લાંબા સમયથી પાછળ ઠેલાયા કરતી વસ્તી ગણતરીની કામગીરી સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. નોંધનીય છે કે 10 વર્ષમાં એકવાર થતી વસ્તી ગણતરીની કામગીરી આમ તો 2021માં કરવાની થતી હતી પરંતુ કોવિડ-19 રોગચાળાના કારણે તેમાં વિલંબ થયો હતો.

આ કામગીરી સાથે સીધા સંકળાયેલા બે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી મહિને શરૂ થનારી આ કામગીરી પૂર્ણ કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગશે. નોંધનીય છે કે સરકારની અંદરના અને બહારના અર્થશાસ્ત્રીઓ વસ્તી ગણતરી કરવામાં થઇ રહેલા વિલંબની ટીકા કરતાં હતાં કેમ કે આર્થિક ડેટા, ફુગાવો અને નોકરીઓના અનુમાનો સહિત અન્ય ઘણા આંકડાકીય સર્વેક્ષણની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. વર્તમાનમાં તેમાના મોટાભાગના ડેટા સેટ અને તેના પરિણામો પર આધારિત સરકારી યોજનાઓ 2011માં બહાર પાડવામાં આવેલી છેલ્લી વસ્તી ગણતરી પર આધારિત છે. વડાપ્રધાન મોદી પોતાના ત્રીજા કાર્યકાળમાં આ કામગીરીને પૂર્ણ કરવા માંગે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલય કે જે વસ્તી ગણતરીની કામગીરીનું નેતૃત્વ સંભાળે છે તથા મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે એક સમયરેખા નક્કી કરી છે અને માર્ચ 2026 સુધીમાં પરિણામો જાહેર કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જે 15 વર્ષની અવધિને કવર કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પીએમઓ તરફથી આખરી મંજૂરીની રાહ જોવાઇ રહી છે.નોંધનીય છે કે પાછલા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર તરફતી બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારત પાછલા વર્ષે જ વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની ગયો હતો અને ચીનને પાછળ રાખી દીધું હતું.

  • Follow us on: