જો કોઈ વ્યક્તિ માત્ર અનામતનો લાભ મેળવવા માટે જ આસ્થા વગર જ ધર્મપરિવર્તન કરે તો તે અનામતની નીતિની સામાજિક ભાવના વિરુદ્ધ ગણાય. આ નિર્ણય મંગળવારે સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના આદેશને જાળવી રાખતાં એક મહિલાને અનુસૂચિત જાતિ (SC)નું પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો છે.
મહિલાએ આ પ્રમાણપત્ર એક ઉચ્ચ શ્રોણીના પદવાળી નોકરી મેળવવા માટે માંગ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે હિંદુ ધર્મ અપનાવીને અનુસૂચિત જાતિમાં સામેલ થઈ ચૂકી છે. જસ્ટિસ પંકજ મિથલ અને આ મહાદેવનની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું, આ કેસમાં પ્રસ્તુત પુરાવાથી એ સ્પષ્ટ થાય છે કે અપીલકર્તા ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે અને નિયમિત રીતે ચર્ચમાં જાય છે. તેમ છતાં, તે પોતાને હિંદુ ગણાવે છે અને રોજગાર માટે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની માગણી કરે છે. તેમનો આ બેવડો દાવો અસ્વીકાર્ય છે.










