• કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ

  • છેતરપિંડી આચરીને UPSC પાસ કર્યાનું સર્ટિફિકેટ મેળવ્યું હતું
  • પૂજા ખેડકર સામે છેતરપિંડીનાં કેસમાં FIR કરવામાં આવ્યા પછી તે લાપતા

છેતરપિંડી આચરીને UPSCની પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ મેળવનાર અને ટ્રેઈની IAS ઓફિસર તરીકે લોકોમાં ધાક જમાવવાનો પ્રયાસ કરનાર વિવાદિત પૂર્વ IAS ટ્રેઈની પૂજા ખેડકરનાં જામીન નકારવામાં આવ્યા પછી તે દુબઈ ભાગી ગઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

પૂજા ખેડકર સામે છેતરપિંડીનાં કેસમાં FIR કરવામાં આવ્યા પછી તે લાપતા થઈ ગઈ છે. દિલ્હીની કોર્ટમાં ગુરુવારે તેનાં આગોતરા જામીન ફગાવાયા હતા તે પછી પૂજા ખેડકર ભાગીને દુબઈ ગઈ હોવાની અટકળો સેવાઈ રહી છે. OBCનું ખોટું સર્ટિફિકેટ મેળવીને તેમજ વિકલાંગ કવૉટાનાં લાભ મેળવીને છેતરપિંડી આચરી પૂજા ખેડકર ટ્રેઈની IAS ઓફિસર બની હતી. તેની સામેના ગંભીર આરોપો પછી તલસ્પર્શી તપાસ કરવા કોર્ટમાં માગણી કરાઈ હતી. જો કે આ કેસમાં અત્યાર સુધી ખેડકરની ધરપકડ કરવામાં આવી ન હતી. પોતાની ધરપકડનો ખતરો હોવાથી તેણે દિલ્હી કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા.

છેતરપિંડી કરનાર અન્ય ઉમેદવારોની તપાસના કોર્ટના આદેશ

કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો હતો કે UPSCની પરીક્ષામાં છેતરપિંડી કરનાર અન્ય ઉમેદવારોની પણ તપાસ કરવામાં આવે. જો UPSCનાં કોઈ કર્મચારીએ પૂજાને મદદ કરી હોય તો તેની પણ તપાસ કરવામાં આવે. પૂજા ખેડકર પર તેની ખોટી ઉંમર, માતાપિતાની ખોટી માહિતી, ઓળખ બદલીને નક્કી કરેલી મર્યાદા કરતા વધુ વખત સિવિલ સર્વિસિસ માટે પરીક્ષા આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેનાં દસ્તાવેજોની UPSCએ તપાસ કરતા તે ખોટા જણાયા હતા. આ પછી તેની સામે FIR કરવામાં આવી છે.

  • Follow us on: