તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજી દ્વારા દાખલ થયેલી જામીન અરજી કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે ઇડીના ઓછા કોન્વિક્શીન રેટ સંબંધે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉજ્જલ ભૂયાને કહ્યું કે તમારો કોન્વિક્શિન રેટ કેટલો છે? જો 60-70 ટકા હોય તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ દર ખૂબ જ ઓછો છે.
પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી વખતે લાંચ લેવામાં આવી હોવાના આક્ષેપ સાથે પાર્થ ચેટરજી સામે કેસ દાખલ થયો હતો. ઇડીએ તે અનુંસધાનમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ખટલો ચાલુ થયા વિના જ આરોપીને લાંબા સમયથી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોવાને મુદ્દે પણ ચિંતા જાહેર કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે,'તેમને કેટલો લાંબો સમય કસ્ટડીમાં રાખી શકાય તે પ્રશ્ન છે. આ કેસમાં આરોપી બે વર્ષથી લાંબા સમયથી કસ્ટડીમાં છે. જો છેલ્લે તે દોષિત ના ઠરે તો શું થશે? બે-ત્રણ વર્ષ સુધી વ્યક્તિ દોષિત ઠરે તેની રાહ જોવી તે ખૂબ લાંબો સમય કહી શકાય.'










