- દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા રહેશે જેલમાં
- રાઉઝ એવન્યુ કોર્ટે 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા
- દિલ્હીની આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંબંધમાં સિસોદિયાની ધરપકડ
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને હવે તિહાર જેલમાં લઈ જવામાં આવશે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીની આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંબંધમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી તે સીબીઆઈની કસ્ટડીમાં હતા.
સિસોદિયાને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ સિસોદિયાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી. સીબીઆઈએ કહ્યું કે અમે વધુ પોલીસ કસ્ટડીની માંગ કરી રહ્યા નથી. પરંતુ ભવિષ્યમાં તેની માંગ કરી શકીએ છીએ, કારણ કે આરોપી વ્યક્તિનું વર્તન યોગ્ય નથી. સાક્ષીઓને ડર છે કે તેમને નિશાન બનાવવામાં આવી શકે છે.
સિસોદિયાએ કાર્યવાહીને રાજકીય રંગ આપ્યો - CBI
સીબીઆઈએ કહ્યું કે તેઓ સાક્ષીઓને ડરાવી રહ્યા છે અને કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યા છે. સીબીઆઈએ કહ્યું કે કોર્ટે વોરંટ જાહેર કર્યા બાદ જ અમે દરોડા પાડ્યા હતા. આ મામલે જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કોર્ટની નોટિસમાં છે. ચિંતાનો વિષય એ છે કે કેમ બતાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ ગેરકાયદેસર કામ કરી રહી છે. આ માંગણી સ્વીકારીને કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ સિસોદિયા તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, આ સાચી માહિતી નથી.
કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધ્યું
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ રાજ્યોમાં બિન-ભાજપ સરકારને સુચારૂ રીતે કામ ન કરવા દેવાનો નિર્ણય લીધો છે.
કેજરીવાલે આરોપ લગાવ્યો કે દેશના વડાપ્રધાનને રાષ્ટ્રના પિતા સમાન માનવામાં આવે છે, પરંતુ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને અને રાજ્યોમાં તેમની સરકારોને પછાડીને બિન-ભાજપ પક્ષોમાં તિરાડ ઊભી કરવી એ પીએમ મોદીની કાર્યશૈલી બની ગઈ છે.









