સર્વોચ્ચ અદાલતમાં આઠ વર્ષના કાર્યકાળમાં અનેક કપરા ચુકાદાઓ આપનાર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે.


તેમનાં કાર્યકાળમાં તેમણે અનેક જટિલ વિષયો અને મુદ્દા પર મહત્ત્વના દૂરોગામી અસરો જન્માવતા ચુકાદા આપ્યા છે. તેમના મતે અયોધ્યા રામજન્મભૂમિને લગતો ચુકાદો જટિલ અને કસોટી કરનારો હતો. તેમણે કહ્યું કે આ ચુકાદો આપતી વખતે તેઓ ભગવાન શ્રીરામ બિરાજમાનની સન્મુખ બેઠા હતા અને તેમને કહ્યું હતું કે અયોધ્યા બાબરી ભૂમિ વિવાદ અંગે યોગ્ય સમાધાન શોધવાની જરૂર છે. આ પછી ભગવાનની પ્રેરણાથી તેમજ તથ્યો અને હકીકતો તેમજ પુરાવાને આધારે રામજન્મભૂમિ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. ચંદ્રચૂડે 2016માં સુપ્રીમ કોર્ટમાં કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ રાજકીય વિવાદોનો ઉકેલ લાવવામાં પણ ક્યારેય ગભરાયા નથી. પહેલા અલાહાબાદ હાઇકોર્ટમાં અને પછી બોમ્બે હાઇકોર્ટમાં મહત્ત્વના ચુકાદા આપવામાં તેમણે નિર્ભય કામગીરી નિભાવી છે.

કાશ્મીરમાં કલમ 370 હટાવવી

જમ્મુ-કાશ્મીરને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવા માટે ડિસેમ્બર 2023માં CJI ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજિસની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો. આ બેન્ચે રાજ્યમાંથી કલમ 370ને હટાવીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવી લેવાના સરકારના નિર્ણયને બહાલ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે રાજ્યમાં કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી. જેમાં જેએન્ડ કેની સંવિધાન સભા પણ અસ્થાયી હતી. કોર્ટે તે વખતે જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણયને પણ માન્ય ઠરાવ્યો હતો. જો કે શરૂઆતમાં આ ચુકાદાની ભારે ટીકા કરવામાં આવી હતી. આમ છતાં કેન્દ્ર સરકારે મક્કમ નિર્ણયો લઈને કલમ 370 રદ કરી હતી.

અયોધ્યા રામજન્મભૂમિ કેસ

આ ખૂબ મહત્ત્વનો કેસ હતો જે 100 વર્ષ અગાઉથી ચાલ્યો આવતો હતો અને જટિલ મુદ્દાઓ ધરાવતો હતો. 1980નાં દાયકાના ઉત્તરાર્ધમાં આ મુદ્દો ભાજપ દ્વારા ઉઠાવાયા પછી તે હિન્દુઓની ઓળખ માટે મુખ્ય આધાર બની ગયો હતો. નવેમ્બર 2019માં તેમણે કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પુરાવા, તથ્યો અને હકીકતોને આધારે વિવાદિત જમીન પર રામમંદિર બનાવવા ચુકાદો આપ્યો હતો. અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા મુસ્લિમોને પાંચ એકર જમીન આપવા કહેવાયું હતું. તે વખતે બેન્ચનું વડપણ તત્કાલીન CJI રંજન ગોગોઈ કરી રહ્યા હતા.

ઇલેક્ટોરલ બોન્ડ

કેન્દ્રનાં નાણાપ્રધાન તરીકે નાણાકીય વર્ષ 2018નાં બજેટમાં તત્કાલીન નાણાપ્રધાન અરુણ જેટલીએ ઇલેક્ટોરલ બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરી હતી. જેમાં દાવો કરાયો હતો કે આનાથી રાજકીય પક્ષોને ફંડ આપવાનું સરળ બનશે. સાત વર્ષ પછી તેની બંધારણીય યોગ્યતાને પડકારાઈ હતી. તે વખતે CJI ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજિસની બેન્ચે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી હતી. અને ચૂંટણી બોન્ડને રદ ગણાવ્યા હતા. કોર્ટે સ્વીકાર્યું હતું કે કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ આપવા માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. કોર્ટે બોન્ડ દ્વારા પક્ષોને દાન કરવાની વિગતો છુપાવવા સામે પણ ફટકાર લગાવી હતી અને તમામ કંપનીઓના નામ અને રકમ જાહેર કરવા ફરજ પાડી હતી. કેન્દ્ર સરકાર માટે આ મોટો ફટકો હતો.

વ્યક્તિની ગુપ્તતા અને આધાર લિંકિંગ

વ્યક્તિની ગુપ્તતાને અસર કરતા આધાર કાર્ડને લિંક કરવાની કેન્દ્ર સરકારની યોજનાને પડકારતા કેસમાં CJI ચંદ્રચૂડે 2019માં 9 જજિસની બેન્ચ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં ભારતીયોની ગુપ્તતા જાળવવાનાં મુદ્દાને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો હતો. ચંદ્રચૂડે આને એક ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. જેમાં એવું ઠરાવાયું હતું કે જીવન જીવવાના અધિકાર માટેની કલમ 21માં નિજતાનો અધિકાર પણ સામેલ છે. આ નિર્ણય પછીથી સમલૈંગિક યૌન સંબંધો તેમજ વ્યાભિચારના અપરાધીકરણને દૂર કરવામાં પણ આધાર બની રહેશે તેમ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે થોડા મહિના પછી 4:1થી ખંડિત ચુકાદો આપીને આધારની બંધારણીય યોગ્યતાને માન્ય રાખી હતી.

દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્ર સરકાર

એક મહત્ત્વના ચુકાદામાં CJI ચંદ્રચૂડના વડપણ હેઠળ પાંચ જજિસની બેન્ચે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીની ચૂંટાયેલી સરકારને વૈધાનિક તેમજ કાર્યકારી શક્તિથી વંચિત કરી શકે નહીં. આ ચુકાદામાં કોર્ટે વહીવટી સેવાઓ પરનું નિયંત્રણ દિલ્હી સરકારને આપ્યું હતું.


  • Follow us on: