ઇડીએ એક છેતરપિંડીયુક્ત ફોરેક્સ ટ્રેડિંગ અને ડિપોઝિટ સ્કીમના પ્રમોટર્સને ત્યાં દરોડાની તાજેતરમાં કરેલી કાર્યવાહીને પગલે 30થી વધુ બેન્ક એકાઉન્ટ્સમાં જમા કુલ 170 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી છે કેમ કે કંપનીના ડાયરેક્ટર્સ આ રકમના સ્ત્રોત જણાવી શક્યા નથી.


ઇડીએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે 11 ફેબ્રુઆરીએ QFX ટ્રેડ લિમિટેડ અને તેના ડાયરેક્ટર્સ- રાજેન્દ્ર સૂદ, વિનીતકુમાર અને સંતોષકુમાર તેમજ માસ્ટરમાઇન્ડ નવાબ અલી ઉર્ફે લેવિશ ચૌધરી વિરુદ્ધ તપાસના ભાગરૂપે દિલ્હી, નોઇડા, શામલી અને રોહતકમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. QFX કંપનીએ ફ્રોડ ફોરેક્સ ટ્રેડિંગ સ્કીમ દ્વારા ઘણા રોકાણકારો સાથે છેતરપિંડી આચર્યાની હિમાચલપ્રદેશમાં સંખ્યાબંધ એફઆઇઆર થઈ છે, જેના પગલે ઇડીએ આ મામલે મની લોન્ડરિંગ તપાસ હાથ ધરી છે. કંપનીના એક એજન્ટને ત્યાં દરોડામાં મળી આવેલા 90 લાખ રૂપિયાની રોકડ અલગથી જપ્ત કરાઈ છે. ઇડીના જણાવ્યા પ્રમાણે QFX કંપની અને તેના ડાયરેક્ટર્સ અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમ ચલાવતા હતા, જેમાં રોકાણ કરવા પર રોકાણકારોને ઊંચા વળતરની ખાતરી અપાતી હતી. બીજી તરફ QFX ગ્રૂપ ઓફ કંપનીઝના એજન્ટો QFX ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નામથી એક મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવતા હતા અને ફોરેક્સ ટ્રેડિંગના નામે ઊંચા વળતરના વચનો આપી રોકાણકારોને આકર્ષવા વેબસાઇટ્સ, એપ્સ અને સોશિયલ મીડિયા એડ્સ તૈયાર કરતા હતા. પોલીસ ફરિયાદો થયા બાદ QFX સ્કીમનું નામ બદલીને YFX (યોર્કર FX) કરી દેવાયું હતું અને રોકાણકારોને છેતરવાની મોડસ ઓપરેન્ડી બેરોકટોક ચાલુ રખાઈ હતી. નવાબ અલી BotBro અને TLC Coin જેવી અન્ય ઇન્વેસ્ટમેન્ટ સ્કીમો પણ ચલાવતો હતો, જેમને તે ફોરેક્સ ટ્રેડિંગ એપ/વેબસાઇટ તરીકે પ્રોજેક્ટ કરતો. વધુ કસ્ટમર્સ આકર્ષવા ભારતમાં તેમજ દુબઇમાં વિવિધ ઇવેન્ટ્સ પણ યોજવામાં આવતી હતી. રોકાણકારોને સ્ટાન્ડર્ડ એકાઉન્ટમાં માસિક 100થી 499 ડોલરના રોકાણ ઉપર 15 ટકા, ક્લાસિક એકાઉન્ટમાં 500થી 1,999 ડોલરના રોકાણ ઉપર 25 ટકા અને પ્રીમિયમ એકાઉન્ટમાં 2,000 ડોલરથી વધુના રોકાણ ઉપર 50 ટકા સુધી નફાની લાલચ અપાતી હતી.


  • Follow us on: