• કોર્ટે કહ્યું - બંધારણની કલમ 32 હેઠળ હાલના તબક્કે દરમિયાનગીરી કરવી તે કસમયનું અને અયોગ્ય છે

  • બે NGO દ્વારા દાન લો અને બિઝનેસ આપોની વ્યવસ્થાની તપાસ માટે SIT રચનાની માગ કરાઈ હતી
  • દાન મેળવનાર દ્વારા દાન આપનારને કરોડોના ફાયદાનો આક્ષેપ

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન લેનાર રાજકીય પક્ષો અને દાન આપનાર કંપનીઓ તેમજ કોર્પોરેટ ગૃહો વચ્ચેની સાઠગાંઠનાં કથિત આરોપોની SIT દ્વારા તપાસ કરાવવાની માગણી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા શુક્રવારે કેસની સુનાવણી કરાઈ હતી. જેમાં બે NGO કોમન કૉઝ તેમજ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની અરજીમાં ચૂંટણી બોન્ડ યોજના હેઠળ દાન લો અને બિઝનેસ આપોની વ્યવસ્થાની કોર્ટની દેખરેખ હેઠળ SIT દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી કરાઈ હતી. NGO વતી પ્રશાંત ભૂષણે દલીલો કરી હતી. તેમણે કહ્યું કે મોટાભાગનાં કિસ્સામાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવનાર લોકો દ્વારા દાન આપનાર સંસ્થા કે વ્યક્તિને કોઈને કોઈ લાભ કરી આપવામાં આવ્યો છે. કેટલાક લોકોને કોઈ કામ માટેના કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે. આવા લોકોએ દાનમાં આપેલી રકમ તો મેળવેલા કોન્ટ્રેક્ટની રકમના ફક્ત 1 ટકા જ છે. આવા કેસમાં રાજકીય પક્ષો ઉપરાંત કેન્દ્રીય તપાસ સંસ્થાઓની સંડોવણી હોવાના આક્ષેપો કરાયા હતા.પ્રશાંત ભૂષણે આ પ્રકારની વ્યવસ્થાને દેશના મોટામાં મોટા આર્થિક અને નાણાકીય કૌભાંડ પેકીનું એક ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે આવા કિસ્સામાં જયારે ક્રિમિનલ કેસની તપાસના કોઈ પરિણામ ન આવે ત્યારે કલમ 32ને લાગુ કરી શકાય. હાલના તબક્કે કલમ 32 હેઠળ દરમિયાનગીરી કરવાનું કસમયનું અને અયોગ્ય છે.

કંપનીઓ અને રાજકીય પક્ષો વચ્ચે લેવડદેવડના આધારે તપાસનો આદેશ ન આપી શકાય : કોર્ટ

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરેટ બોન્ડની સ્કીમમાં ક્વિડ પ્રો ક્વો સિસ્ટમની એટલે કે એક હાથે દો અને એક હાથે લો જેવી સિસ્ટમની તપાસ માટે SIT દ્વારા તપાસની માગણી કરતી અરજી ફગાવી હતી. કોર્ટે કહ્યું કે બોન્ડની ખરીદી કરનાર કંપનીઓ અને રાજકીય પક્ષો વચ્ચે લેવડદેવડ થઈ છે તેવા આધારે કોર્ટ તપાસના આદેશ આપી શકે નહીં. કોર્ટે પૂછયું હતું કે, SIT આમાં શું તપાસ કરી શકે છે? સીજેઆઈએ કહ્યું કે ગુનાઈત પ્રોસેસને નિયંત્રિત કરનાર કાયદાના મામલે કોર્ટ કોઈ નિવૃત્ત જજના વડપણ હેઠળ SIT રચવાનો આદેશ આપી શકે નહીં. ટેક્સ એસેસમેન્ટનાં કેસમાં ફરી તપાસ કરવાથી ઓથોરિટીના કામકાજ પર માઠી અસર પડશે. બંધારણની કલમ 32 હેઠળ આ પ્રકારના આક્ષેપો કરવા કે દખલગીરી કરવી તે સમય પહેલા અને વધુ પડતું કહેવાશે. જો કે કોર્ટે ફેબ્રુઆરીમાં જ ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમને રદ કરી હતી અને SBI ને પણ ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ બંધ કરવા આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તે વખતે SBI ને તમામ દાનદાતાઓની વિગતો જાહેર કરવા પણ આદેશ આપ્યો હતો.

શું આક્ષેપો કરવામાં આવ્યા?

અરજદારે આક્ષેપો કર્યા હતા કે ખોટમાં ચાલી રહેલી કંપનીઓ તેમજ બોગસ કંપનીઓ દ્વારા પણ રાજકીય પક્ષોને દાન આપવામાં આવ્યું હતું. તેનાં બદલામાં સરકારી કામનાં કોન્ટ્રેક્ટ, લાઇસન્સ મેળવવા તેમજ CBI, IT તથા EDની તપાસથી બચવા તથા નીતિઓમાં ફેરફાર કરવા જેવા લાભ મેળવવામાં આવ્યા હતા.

SITની તપાસ માટે ડેટા જરૂરી

જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે એસઆઈટીની તપાસ માટે ડેટા હોવો જરૂરી છે. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે તેમનું માનવું છે કે એસઆઈટીની રચના એ માત્ર સમાધાન હોઈ શકે નહીં. આ સામે અરજી કરનારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે જો ચોરી થઈ હોય તો ચોરીની સામગ્રી જપ્ત કરવી જોઈએ જેથી તથ્ય સામે આવે.

  • Follow us on: