દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે મતદાન આગામી 5 ફેબ્રુઆરીએ યોજાવાનું છે અને મત ગણતરી 8 ફેબ્રુઆરીએ થશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર કરવામાં આવશે. દિલ્હીના ચૂંટણી જંગમાં કુલ 699 ઉમેદવાર પ્રચારના છેલ્લા દિવસે પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દિલ્હીમાં ચૂંટણીનો પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ ગયો છે.
ભાજપે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે દિલ્હીમાં કુલ 22 રોડ શો અને રેલીઓ યોજી
આ પછી કોઈપણ ઉમેદવાર ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે મતદાન માટે 2,696 મતદાન મથકો પર 13,766 બૂથ બનાવવામાં આવ્યા છે. મતદારો બૂથ પરિસરમાં સરળતાથી તેમના મતદાન મથકો સુધી પહોંચી શકે તે માટે બધા જિલ્લા ચૂંટણી અધિકારીઓ રંગ કોડ મુજબ કેન્દ્રો સ્થાપિત કરશે. ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સત્તા મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે દિલ્હીમાં કુલ 22 રોડ શો અને રેલીઓ યોજી છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, “લોકોનો મૂડ કહી રહ્યો છે કે 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કમળ ખીલશે. હું ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનવા ઈચ્છુ છું. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હી માટે ઘણો સમય ફાળવ્યો છે.
AAP ફરીથી સત્તા કબજે કરવા માટે કરી રહી છે પ્રયાસ
આમ આદમી પાર્ટીએ છેલ્લી 2 ચૂંટણીઓથી દિલ્હીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને સત્તા પરત મેળવવા માટે આ વખતે પણ AAPના વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં પોતાની બધી તાકાત લગાવી દીધી છે. જ્યારે 15 વર્ષથી સત્તામાં રહેલી કોંગ્રેસ છેલ્લી 2 ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી નથી. જોકે, આ વખતે કોંગ્રેસ છેલ્લા 2 વખતના દુષ્કાળને સમાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
દિલ્હીમાં મતદારોની કેટલી છે સંખ્યા?
દિલ્હીમાં કુલ 1.55 કરોડ મતદારો છે, જેમાં 83.49 લાખ પુરુષ અને 71.73 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 1,261 ત્રીજા લિંગના મતદારો પણ છે. યુવા મતદારોની સંખ્યા 25.89 લાખ છે. દિલ્હી ચૂંટણી માટે 13,033 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં 70-70 કેન્દ્ર અપંગો અને મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ સાથે જ દિલ્હી પોલીસે વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે 150થી વધુ અર્ધલશ્કરી દળની કંપનીઓ અને 30,000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવાની યોજના બનાવી છે.