વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીર બાલ દિવસ નિમિત્તે દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારના 2024ના વિજેતાઓ સાથે મુલાકાત અને વાતચીત કરી. તેમણે જણાવ્યું કે યુવાનોને સશક્ત બનાવવા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.


ભારત મંડપમાં 17 બહાદુર બાળકોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સન્માનિત કર્યા. વડાપ્રધાને વીર બાલ દિવસ પર સાહિબજાદાઓની અસાધારણ વીરતા અને બલિદાનનું સ્મરણ કરતા કહ્યું કે તેમનું બલિદાન અને વીરતા પોતાના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે માતા ગુજરી જી અને શ્રી ગુરુ ગોબિંદ સિંહ જીની બહાદુરીનું પણ સ્મરણ કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે 26 ડિસેમ્બરનો એ દિવસ કે જ્યારે નાની ઉંમરમાં આપણા સાહિબજાદાઓએ પ્રાણની આહુતિ આપી દીધી. સાહિબજાદા જોરાવરસિંહ અને સાહિબજાદા ફતેહસિંહની ઉંમર નાની હતી પણ તેમનો જુસ્સો આકાશથી પણ ઊંચો હતો. સાહિબજાદાઓએ મુગલ સલ્તનતની દરેક લાલચ ઠુકરાવી, દરેક અત્યાચાર સહન કર્યા. જ્યારે તેમને દીવાલમાં ચણી દેવાનો આદેશ કરાયો ત્યારે સાહિબજાદાઓએ તેનો પૂરી વીરતા સાથે સ્વીકાર કર્યો. પ્રાણ આપી દેવાનું સ્વીકારી લીધું પણ આસ્થાના પથ પરથી વિચલિત ન થયા. વીર બાલ દિવસ આપણને એ શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, દેશ અને દેશહિતથી મોટું બીજું કંઈ નથી. દેશ માટે કરાયેલું દરેક કામ વીરતા છે.

2025માં 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'નું આયોજન

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, મેં આ વર્ષે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, હું દેશના એક લાખ એવા યુવાનોને રાજકારણમાં લાવવા માંગુ છું, જેમના પરિવારમાંથી કોઈ સક્રિય રાજકારણમાં ન હોય. આ શરૂઆત આગામી 25 વર્ષ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હું આપણા યુવાનોને આ અભિયાનનો હિસ્સો બનવા માટે કહીશ, જેથી દેશની રાજનીતિમાં નવી પેઢી ઊભરી શકે. આ જ વિચાર સાથે, આગામી વર્ષની શરૂઆતમાં એટલે કે 2025માં સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

  • Follow us on: