બાળ લગ્નો અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે માર્ગદર્શિકા જારી કરીને ઠરાવ્યું કે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ, 2006ને કોઈ પણ પર્સનલ લૉ અંતર્ગત પરંપરાઓથી અવરોધી ન શકાય.


એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં જણાવાયું હતું કે રાજ્ય સ્તરે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટનો બરાબર રીતે અમલ ન થઈ રહ્યો હોવાથી બાળ લગ્નોનું પ્રમાણ વધી રહ્યું છે. અરજીમાં દેશભરમાં બાળ લગ્નો પર રોક લગાવવા માગ કરાઈ હતી. સીજેઆઇ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચે બાળ લગ્નો અંગે માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે માતા-પિતા તેમની સગીર પુત્રી કે સગીર પુત્ર પુખ્તવયના થાય તે પછી તેમના લગ્ન કરાવવાના આશયથી સગાઈ કરી દે એ જીવનસાથી પસંદ કરવાની સંતાનની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન છે. જીવનસાથી પસંદ કરવાનો સૌને અધિકાર છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે હાલના બાળ લગ્ન નિષેધ કાયદામાં કેટલીક ખામીઓ છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તે રાજ્યો સાથે વાતચીત કરીને જણાવે કે બાળ લગ્નો પર રોક લગાવવાના કાયદાના અસરકારક અમલ માટે રાજ્ય દ્વારા શા પગલાં લેવાયા છે?

સીજેઆઇ ડી.વાય. ચંદ્રચૂડે ચુકાદો આપતા ઠરાવ્યું કે પનિશમેન્ટ અને પ્રોસિક્યુશનને બદલે પ્રોહિબિશન અને પ્રિવેન્શન પર ભાર મૂકવાની જરૂર છે. ગુનેગારોને સજા કરવાની વાત હંમેશા અંતિમ ઉપાય હોવો જોઈએ. અમે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટના અસરકારક અમલ માટે વિવિધ આદેશ આપ્યા છે. સૌથી સારો ઉપાય વંચિત વર્ગોની ઓછું ભણેલી, ગરીબ દીકરીઓનું કાઉન્સેલિંગ કરવાનો છે. જાગૃતિ અભિયાન, ફંડિંગ અભિયાન સંબંધમાં પણ દિશાનિર્દેશ જારી કરાયા છે. જુદાજુદા સમુદાય મુજબ રણનીતિ ઘડવી જોઈએ. કોઈ પણ કાયદો બહુક્ષેત્રિય સંકલનથી જ સફળ બની શકે.

બાળ લગ્નો રોકવા લોકજાગૃતિ લાવવી જરૂરી : સુપ્રીમ કોર્ટ

સીજેઆઇ ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ઠરાવ્યું કે બાળ લગ્નો રોકવા માટે આપણે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. માત્ર સજાની જોગવાઈથી કંઈ નહીં થાય. સીજેઆઇએ કહ્યું કે અમે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટનો ઉદ્દેશ જોયો અને સમજ્યો છે. તેમાં કોઈ નુકસાન વિના સજા આપવાની જોગવાઈ છે, જે બિનઅસરકારક સાબિત થઈ. આપણે જાગૃતિ અભિયાન હાથ ધરવાની જરૂર છે. નોંધનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે ગત 10 જુલાઈએ સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. સોસાયટી ફોર એનલાઇટનમેન્ટ એન્ડ વોલન્ટરી એક્શન નામની એનજીઓએ 2017માં અરજી કરી હતી. એનજીઓનો આરોપ હતો કે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટનો શબ્દશઃ અમલ થઈ રહ્યો નથી.


  • Follow us on: