- દિલ્હી દારૂ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને રાહત નહી
- 31 મે સુધી ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યા હતા કોર્ટમાં
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. મનીષ સિસોદિયા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયા હાજર
દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી બુધવારે સમાપ્ત થઈ રહી હતી . તેઓ વર્ચ્યુઅલ રીતે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટના જજ કાવેરી બાવેજાએ કસ્ટડી લંબાવવાનો આદેશ આપ્યો હતો.
કેજરીવાલને વચગાળાની રાહત, સંજય સિંહને પણ જામીન
મહત્વનું છે કે આ કેસમાં તપાસ એજન્સીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જ્યારે કેજરીવાલને પણ સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી હતી. કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે 1 મે સુધી વચગાળાના જામીન પર છે. તેણે 2 મેના રોજ આત્મસમર્પણ કરવું પડશે.










