કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તે નીટ-યુજીની પરીક્ષાને લઈને તજજ્ઞ સમિતિની ભલામણોને લાગુ કરશે. સરકારે પાછલા વર્ષે નીટ-યુજીની પરીક્ષા કરાવનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કામકાજની સમીક્ષા કરવા માટે સાત સભ્યોની બનેલી તજજ્ઞ સમિતિની રચના કરી હતી. આ સમિતિ પરીક્ષામાં સુધારા અંગે ભલામણ કરશે.
પાછલા વર્ષે બીજી ઓગસ્ટે સર્વોચ્ચ અદાલતે નીટ-યુજી પરીક્ષા ફરીથી કરાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ફગાવી દેતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન પેપર લીક કે ગરબડના પૂરતા પુરાવા મળ્યા નથી. સુપ્રીમ કોર્ટે સાત સભ્યોની બનેલી સમિતિના કાર્યકાળને વધારવાનો પણ નિર્દેશ આપ્યો હતો. નોંધનીય છે કે આ તજજ્ઞ સમિતિના અધ્યક્ષ તરીકેની કામગીરી ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણન કરી રહ્યા છે. આ સમિતિની પરીક્ષાને પારદર્શી બનાવવા તથા કોઈપણ ગરબડ રહિત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.










