સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઇસી) અને રાજ્ય માહિતી આયોગો (એસઆઇસી)માં ખાલી પડેલાં પદો માટે નકારાત્મક વલણ અપનાવ્યું હતું અને કેન્દ્રને તાત્કાલિક પદો ભરવા માટેનો આદેશ આપ્યો હતો. સીઆઇસીમાં માહિતી કમિશનર્સની સત્વરે નિયુક્તિ કરવાનું કહેતાં જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટિશ્વર સિંહની બેંચે કેન્દ્રને કહ્યું, આ પદોને શક્ય એટલી ઝડપથી ભરવાની જરૂર છે.


અન્યથા સંસ્થા હોવાનો શો લાભ, જો આપણી પાસે કામ કરનારા લોકો જ ન હોય તો? બેંચે સીઆઇસી અને એસઆઇસીમાં માત્ર એક વિશેષ શ્રોણીના ઉમેદવારોની પસંદગીની ટીકા કરી અને આ આયોગોમાં બ્યૂરોક્રેટ્સની હાજરી અંગે ન્યાયિક ટિપ્પણી કરવા અંગે વિચાર કર્યો, નહીં કે બધાં ક્ષેત્રોના લોકોની. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, અમે આ તથ્યને ન્યાયિક ધોરણે ધ્યાન પર લઈ શકીએ છીએ કે આખા આયોગમાં માત્ર એક જ શ્રોણીના લોકો કામ કરે છે. માત્ર બ્યૂરોક્રેટ્સની જ નિયુક્તિ શા માટે કરવામાં આવે અને ઘણાં ક્ષેત્રોના લોકોની નિયુક્તિ શા માટે કરવામાં ન આવે. અમે આ મુદ્દે બીજું કશું કહેવા નથી માગતા, પરંતુ આ અંગે વિચાર કરવાની જરૂર છે.

રાજ્યોએ પસંદગી પ્રક્રિયામાં મોડું કર્યું

અરજીકર્તા અંજલિ ભારદ્વાજ અને અન્ય તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે 2019માં સુપ્રીમ કોર્ટે સીઆઇસી અને એસઆઇસીમાં પદો ભરવા માટે મૌલિક આદેશ જારી કર્યા હતા, પરંતુ રાજ્યોએ પસંદગીપ્રક્રિયામાં મોડું કર્યું અને માહિતી અધિકાર અધિનિયમને લગભગ સમાપ્ત કરી દીધો. સંબંધિત સચિવોને બોલાવવા કે જવાબ માગવાની કોર્ટ સમક્ષ વિનંતી કરતાં વકીલે કહ્યું કે ખાલી જગ્યાઓના કારણે આ મંચનો ઉપયોગ કરનારા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે અને રાજ્ય સરકારો તરફથી લોકોને નિયુક્ત કરવામાં નિષ્ફળતાએ અધિનિયમના મૂળ હેતુને જ નિષ્ફળ કરી નાખ્યો છે.


  • Follow us on: