કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં કોર્ટ કેસો લડવા પાછળ 409 કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચી હોવાનું સત્તાવાર ડેટાથી જાણવા મળે છે. નાણાકીય વર્ષ 2023 -24 માં કેન્દ્ર સરકારે કોર્ટ કેસો પાછળ 66 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે નાણાવર્ષ 2022-23 માં તેણે કોર્ટ કેસો પાછળ કરેલા ખર્ચથી 9 કરોડ રૂપિયા વધુ છે. કેન્દ્ર સરકારનો કોર્ટ કેસો પાછળનો ખર્ચ 2014-15 થી સતત વધ્યો છે, જેમાં કોરોના મહામારી પીક પર હતી ત્યારના બે નાણાવર્ષ અપવાદ છે. હાલમાં ચાલી રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 2014-15 માં કેન્દ્ર સરકારનો કોર્ટ કેસો પાછળ ખર્ચ 26.64 કરોડ રૂપિયા જ્યારે 2015-16 માં 39.43 કરોડ રૂપિયા હતો. નાણાવર્ષ 2014 -15 થી 2023 -24 દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટ કેસો પાછળ 409 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.


પડતર કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે સરકાર નેશનલ લિટિગેશન પોલિસી તૈયાર કરવા પર કામ કરી રહી છે. આ પ્રસ્તાવિત પોલિસીનો મુસદ્દો ફાઇનલ કોલ માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. પોલિસી ઘણા વર્ષોથી ઘડવામાં આવી રહી છે, રિડ્રાફ્ટ થઈ રહી છે. એક પછી એક સરકારો તેની રૂપરેખા પર વિચારવિમર્શ કરી રહી છે.


  • Follow us on: