દિલ્હી હાઈકોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં ઉચ્ચ અને નીચલી અદાલતોના 256 ન્યાયાધીશોની બદલી કરી છે. દિલ્હી ન્યાયિક સેવામાં 233 ન્યાયિક અધિકારીઓ અને દિલ્હી ઉચ્ચ ન્યાયિક સેવામાં 23 ન્યાયિક અધિકારીઓને નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. આમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસની સુનાવણી કરનારા જસ્ટિસનો પણ સમાવેશ થાય છે.
દિલ્હી હાઈકોર્ટે ન્યાયાધીશોના ટ્રાન્સફરને લઈ નોટિફિકેશન બહાર પાડ્યા
દિલ્હી હાઈકોર્ટે 25 ઓક્ટોબરે ન્યાયાધીશોના ટ્રાન્સફરને લઈને બે અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડ્યા હતા. બદલીઓ ઉપરાંત આ નિમણૂકોમાં તાલીમ પૂર્ણ થયા પછી જુદા જુદા જિલ્લાઓમાં લગભગ 70 ન્યાયિક અધિકારીઓની પોસ્ટિંગનો પણ સમાવેશ થાય છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 'મુખ્ય ન્યાયાધીશ અને આ કોર્ટના ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી દિલ્હી ન્યાયિક સેવામાં પોસ્ટ અને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
જિતેન્દ્ર સિંહ રાઉઝ એવન્યુ કોર્ટના હશે વિશેષ જસ્ટિસ
દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે શુક્રવારે ઉચ્ચ ન્યાયિક સેવાઓ માટે પણ સમાન સૂચના જારી કરી હતી. આ યાદી અનુસાર એડિશનલ સેશન્સ જજ જિતેન્દ્ર સિંહની સ્પેશિયલ જસ્ટિસ તરીકે રૂઝ એવન્યુમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. વિશેષ ન્યાયાધીશ રાકેશ સ્યાલના નિવૃત્તિ બાદ આ કોર્ટ ખાલી પડી હતી.
જસ્ટિસ રાકેશ સ્યાલ ધારાસભ્યો સામેના કેસની સુનાવણી માટે વિશેષ અદાલત ચલાવતા હતા. જેમાં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સામેનો કેસ સામેલ છે. શીખ રમખાણો સંબંધિત કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરનો કેસ પણ આ કોર્ટમાં હતો.
ગોમતી મનોચાની પટિયાલા હાઉસ કોર્ટમાં બદલી
પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ (પોક્સો) છવી કપૂરને સ્પેશિયલ જસ્ટિસ તરીકે રાઉઝ એવન્યુ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પટિયાલા હાઉસ કોર્ટ BJPના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ POCSO કેસમાં દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેન્સલેશન રિપોર્ટની સુનાવણી કરી રહી છે. એડિશનલ સેશન્સ જજ ગોમતી મનોચાએ સ્પેશિયલ જજ છવી કપૂરની બદલી કરી છે. ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ વડા વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોનો કેસ પણ આ કોર્ટમાં છે.