- પાઠય પુસ્તકોમાં બંને શબ્દનો ઉપયોગ કરાશે, 'ભારત' કે 'ઈન્ડિયા' શબ્દના ઉપયોગમાં અમને કોઈ વાંધો નથી
- ઉચ્ચ કક્ષાની સમિતિએ તમામ ધોરણ માટે પાઠય પુસ્તકોમાં 'ભારત' શબ્દનો ઉપયોગ કરવા ભલામણ કરી છે
- અમને ભારતથી પણ કોઈ વાંધો નથી કે ઈન્ડિયાથી પણ કોઈ વાંધો નથી: ઉચ્ચ કક્ષાની સમિતિ
NCERTનાં ડિરેક્ટર દિનેશપ્રસાદ સકલાનીએ કહ્યું હતું કે NCERTનાં પાઠય પુસ્તકોમાં દેશનાં બંધારણની જેમ 'ભારત' અને 'ઈન્ડિયા'નો વારાફરતી ઉપયોગ કરવામાં આવશે.આ મુદ્દે કરવામાં આવનાર કોઈપણ ચર્ચા અર્થહીન છે.
સોશિયલ સાયન્સનાં અભ્યાસક્રમ પર કામ કરી રહેલી એક ઉચ્ચ કક્ષાની સમિતિએ તમામ ધોરણ માટે સ્કૂલનાં પાઠય પુસ્તકોમાં 'ઈન્ડિયા'નાં સ્થાને 'ભારત' શબ્દનો ઉપયોગ કરવા ભલામણ કરી છે આ પછી આ મુદ્દે ચર્ચા જાગી છે. NCERTનાં ચીફે ન્યૂઝ એજન્સીનાં એડિટર સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે પાઠય પુસ્તકોમાં બંને શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. 'ભારત' કે 'ઈન્ડિયા' શબ્દનો ઉપયોગ કરવામાં અમને કોઈ વાંધો નથી.
તમામ ધોરણનાં પાઠય પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવા ભલામણ
સકલાનીએ કહ્યું કે બંને શબ્દોનો વારાફરતી ઉપયોગ કરવાનું યોગ્ય છે. અમારો અભિગમ પણ આપણું બંધારણ જે કહે છે તેમ કરવાનો છે અને અમે તેને સમર્થન કરીએ છીએ. અમે ભારત શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ અને અમે ઈન્ડિયા શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આમાં સમસ્યા શું છે? અમે આ મુદ્દે ચર્ચામાં પડવા માંગતા નથી. જ્યાં અમને યોગ્ય લાગશે ત્યાં ઈન્ડિયા શબ્દનો ઉપયોગ કરીશું અને જ્યાં અમને યોગ્ય લાગશે ત્યાં ભારત શબ્દનો ઉપયોગ કરીશું.અમને ભારતથી પણ કોઈ વાંધો નથી કે ઈન્ડિયાથી પણ કોઈ વાંધો નથી. તમે જોઈ શકો છો કે અમારા પાઠય પુસ્તકોમાં બંને શબ્દનો અગાઉથી જ ઉપયોગ કરાઈ રહ્યો છે.
નવા પાઠય પુસ્તકોમાં પણ આવું જ કરાશે. આ મુદ્દે કોઈપણ ચર્ચાનો કોઈ અર્થ નથી. સ્કૂલોનાં અભ્યાસક્રમમાં સુધારા કરવા માટે NCERT એ રચેલી સોશિયલ સાયન્સની ઉચ્ચ કક્ષાની સમિતિએ ગયા વર્ષે તમામ ધોરણનાં પાઠય પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવા ભલામણ કરી હતી.
તમામ વિષયોનાં અભ્યાસક્રમમાં ભારતીય નોલેજ સિસ્ટમ સામેલ કરવા સૂચન
સમિતિનાં અધ્યક્ષ સી આઈ ઈશાક કે જેઓ પેનલનાં વડા છે તેમણે કહ્યું કે, તેમણે પાઠય પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત નામ રાખવા, અભ્યાસક્રમમાં પ્રાચીન ઇતિહાસને બદલે શાસ્ત્રીય ઇતિહાસ શરૂ કરવા તેમજ તમામ વિષયોનાં અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) સામેલ કરવા સૂચન કર્યું છે.