ભારત કોઈથી ડરતો નથી. ભારત ક્યારેય અન્ય દેશોને પોતાની પસંદગી પર વિટોનો ઉપયોગ કરવા દેશે નહીં તેમ મુંબઈ ખાતેનાં એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારત પોતાનાં રાષ્ટ્રીય હિતમાં અને વિશ્વનાં કલ્યાણ માટે જે કંઈ જરૂરી હશે તે ડર્યા વિના કરશે.


ભારતનાં નિર્ણયો પર વીટો લગાવવાની વાત કરનાર વિશ્વને જયશંકરે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારતનાં હિતો પર કોઈ વિટો લગાવી શકશે નહીં. તેમણે P-5 દેશોને તેમની મર્યાદામાં રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અઝહર મસૂદ હોય કે જ S-400 મિસાઈલ્સનો સોદો, અમારા હિતો પર કોઈ દેશ વિટો લગાવી શકશે નહીં. જયશંકરે કહ્યું કે, ભારત જ્યારે વૈશ્વિક સ્તરે ઊંડાણથી જોડાય છે ત્યારે તેનાં પરિણામ પણ ઊંડા અને ધારદાર આવે છે. ભારતનાં સમૃદ્ધ વારસાથી વિશ્વને ઘણું બધું શીખવા મળશે. પણ આના માટે ભારતીયોએ પોતાનાં પર ગર્વ કરવો પડશે.

દેશ તેની આગવી ઓળખ શોધી રહ્યો છે

જયશંકરે કહ્યું કે ભારત ઘણાં સમયથી તેની ઓળખ શોધી રહ્યો છે. લાંબા સમયથી પ્રગતિ અને અમારી પરંપરાની અસ્વીકૃતિ કરાઈ રહી છે. જો કે લોકતંત્ર મજબૂત થયું છે અને દેશ તેની ઓળખ ફરી શોધી રહ્યો છે. ભારત એક અસાધારણ દેશ છે જે પોતાની આગવી સભ્યતા ધરાવે છે અને સાંસ્તૃતિક શક્તિનો સંપૂર્ણપણે ઉપયોગ કરી રહ્યું છે. જેથી વિશ્વ સ્તરે તેનો પ્રભાવ જન્મી શકે. ભારત મહત્વનાં વળાંક પર આવીને ઊભું છે. વિકાસની નવી સંભાવનાઓ સર્જાઈ રહી છે. જયશંકરે પી-5 દેશો એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સંઘ (UNSC)નાં પાંચ કાયમી સભ્ય દેશો ચીન, અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટનને સીધા રહેવા ચીમકી આપી હતી. ભારત સામે ભૂતકાળમાં અનેક પ્રસંગે ચીને વીટોનો ઉપયોગ કર્યો છે.


  • Follow us on: