હજુ તો ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયાના સમાચારની શાહી પણ નથી સુકાઈ ત્યાં નવા સમાચાર આવ્યા છે કે ભારતની સફળ મહિલા પહેલવાન વિનેશ ફોગાટ અને 2020ના ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પૂનિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. આ બંનેનો શુક્રવારે કોંગ્રેસમાં વિધિવત્ પ્રવેશ થયો છે.


વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ ઓલિમ્પિક મેડલ જીતનારી સાક્ષી મલિક સાથે મળીને ભાજપના નેતા અને ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વપ્રમુખ બ્રજભૂષણ શરણસિંહ વિરુદ્ધ આંદોલન કર્યું હતું. કેટલીક મહિલા પહેલવાનોએ બ્રજભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણનો આરોપ કર્યો હતો. જો કોઈને રાજકારણમાં ઊંડા વ્યાવહારિક ક્રેશ કોર્સની જરૂર હોય તો આ આંદોલનમાં એ બધું જ હતું.

પહેલવાનોએ એક દબંગ રાજકીય વ્યક્તિનો સામનો કર્યો, એક અવો સંવેદનશીલ વિષય ઉઠાવ્યો જેમાં પીડિતોએ ઘણી વાર સામાજિક બહિષ્કાર અને અપમાનિત થવાનું ભોગવવું પડે છે. જોકે, આ આંદોલનને ભારે સમર્થન મળ્યું હતું અને સાર્વજનિક રેલીઓ યોજાઈ હતી, જેનું નેતૃત્વ શુક્રવારે કોંગ્રેસમાં જોડાયેલા આ બંને પહેલવાનોએ કર્યું હતું. તેમણે સેંકડો ભાષણ અને ઇન્ટરવ્યૂ આપ્યાં. મહિનાઓ સુધી ચાલેલા ધરણાને સહન કરવાની શક્તિ અને લડતમાં દૃઢતા બતાવી, પોલીસ કાર્યવાહીનો સામનો કર્યો અને અનેક અવરોધો છતાં પીછેહટ ન કરી. વાસ્તવમાં ભારતીય ખેલાડીઓ જીવનભર જે અનુભવ કરે છે તે એક રીતે રાજકારણ માટેના એક પ્રશિક્ષણ જેવું છે. ભારતીય એથ્લીટ જો કોઈક રીતે સારા છે તો તેઓ 10-12 વર્ષની ઉંમર સુધીમાં એવી સિસ્ટમમાં દાખલ થાય છે જ્યાં રાજકારણની ખૂબ બોલબાલા છે, જે ખરાબ રીતે રાજકારણમાં અટવાયેલું છે. તેઓ થોડાક દાયકા અથવા તેનાથીયે વધારે સમય સુધી આ સિસ્ટમની રીતોને અનુભવે શીખે છે. ભારતીય રમતો બે પ્રકારે રાજકારણમાં અટવાયેલી છે.

ઉત્તમમાં ઉત્તમ

પહેલી રીત વધારે સ્પષ્ટ છે. ક્રિકેટથી લઈને બોક્સિંગ, ફૂટબોલ, તીરંદાજી, તરણ, જિમ્નાસ્ટિક્સ, ઘોડેસવારી કે ટેબલટેનિસ સુધી દેશમાંની લગભગ બધી રમતોને નિયંત્રણમાં રાખનારા સંઘો પર માત્ર રાજનેતાઓ કે તેમના સાથીઓનું જ નેતૃત્વ નથી, બલકે, તેનો એક જાગીર તરીકે ઉપયોગ કરે છે. એવી એક જાગીર જેમાં રાજકીય રમતો રમાય છે. આ સિસ્ટમમાં આગળ વધવા માટે દરેક એથ્લીટ અને તેના પરિવારને ખબર હોય છે કે વ્યક્તિએ દૃઢનિૃય, સાધનસંપન્ન અને અમુક યોગ્યતા ધરાવતા લોકોને ખુશ રાખવામાં સક્ષમ બનવું જોઈએ. તેમાંના પ્રત્યેક ગુણ રાજકારણ માટે આવશ્યક છે. જેવા કે રમતસંબંધી ગુણ જે એથ્લીટની સફળતા નક્કી કરે છે : ફોકસ, પ્રતિસ્પર્ધા, શિસ્ત અને કઠોરતા.

વિરાટ કોહલીએ શું કહેલું?

વિરાટ કોહલીએ એક વાર કહેલું કે તે જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમના જીવનમાં નિરાશાની એક પળ આવેલી. ત્યારે તેમણે દિલ્હી ક્રિકેટમાં જુનિયર સ્તરે ટીમ-પસંદગીને પ્રભાવિત કરનારા રાજકારણ અને પ્રભાવના સ્તરનો અનુભવ કર્યો હતો. તે સમયે તેમણે નિર્ણય કર્યો કે, એટલા સારા બનો કે રાજકારણ પણ રસ્તો ન રોકી શકે. પોતાના કૌશલ્યની ધાર એટલી તીક્ષ્ણ બનાવો કે નજરઅંદાજ કરવાનું અસંભવ બની જાય.

ભારતીય રમતોમાં રાજકારણ રમે છે

આ સ્તરે કોઈ પણ રમતમાં ટોચના એક ટકા એથ્લીટને તક મળે છે અને તે પણ જે સર્વશ્રોષ્ઠમાંયે શ્રોષ્ઠ હોય. હજારો અન્ય રમતવીરો માટે ઘણી વાર સરકારી નોકરી એક અલગ પ્રોત્સાહન હોય છે. આ બીજી રીત છે, જેનાથી ભારતીય રમતોમાં રાજકારણ રમાય છે. એથ્લીટ રાજકીય જીવન જેવો અનુભવ કરે છે. સરકારી નોકરી ઘણા એથ્લીટ્સના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની જાય છે જે દૂરસુદૂરનાં ગામો કે ભીડ ભરેલાં ટિયર-ટુ અને થ્રી શહેરોમાંથી આવે છે. જેઓ ઘણી વાર ગરીબીથી પોતાના પારિવારિક ઇતિહાસને બચાવવા અથવા તેના પર કાબૂ મેળવવા માટે સરકારી નોકરીને પોતાનું લક્ષ્ય બનાવી લે છે.

કેટલાક લોકો રાજકારણ માટે નથી બન્યા હોતા

તો પછી સવાલ એ છે કે, શું ખેલાડીઓ સારા રાજનેતા બને છે? હા. જોકે, એથ્લીટ્સમાંથી રાજનેતા બનેલા લોકોની હમણાંની પેઢી એક જુદું જ ચિત્ર બતાવે છે. તેનું એક કારણ છે : 2014 અને 2024 વચ્ચેનાં વરસોમાં ભાજપ જેવું નિર્વિવાદ સત્તા ધરાવતી રાજકીય પાર્ટી બનવા તરફ આગળ વધ્યું ત્યારે તેણે ઘણા રમતવીરોને માત્ર તેમની લોકપ્રિયતાના કારણે જ પોતાના પક્ષમાં ખેંચી લીધા. ઉદાહરણ તરીકે, જૂની યાદના રૂપમાં પીટી ઉષા અને પૂર્વોત્તર માટે મેરી કોમને પોતાના પક્ષમાં ખેંચ્યાં. હરિયાણાના આંતરિક વિસ્તારો માટે બબીતા ફોગાટને પાર્ટીમાં સામેલ કર્યાં. સોશિયલ મીડિયા પર પહોંચ વધારવા ભારત આખામાં ઓળખ ધરાવતી સાઇના નેહવાલને પોતાના પક્ષમાં સમાવ્યાં. એમાં એવું નહોતું કે આ એથ્લીટોએ રાજકારણ તરફ ઝુકાવ બતાવ્યો હતો. આ બધા એથ્લીટ્સનું સરેરાશ ભાષણ-કૌશલ બહુ સારું નથી ગણાતું. તેમાંના કોઈની પાસે કોઈ મુદ્દે કે સમસ્યા માટે કશું સ્પષ્ટ વલણ કે જનૂન નથી જેને તેમણે પોતાનું બનાવ્યું હોય. બીજી તરફ, દેશને બોક્સિંગમાં 2008માં પહેલો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ અપાવનાર વિજેન્દર સિંહ કોંગ્રેસમાં જોડાયા હતા પણ હવે તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

કેટલાક ખેલાડી રાજકારણમાં પણ ઝળક્યા

બીજી તરફ, જે ખેલાડી રાજકારણમાં એટલા માટે જોડાયા કે તેમને તેમાં રસ હતો, તેમણે પોતાને મજબૂત સાબિત કર્યા છે. ગૌતમ ગંભીર પોતાના સમયના ધુરંધર બેટ્સમેન હતા જે હંમેશા મેદાન પર પોતાની લાગણીઓને સ્પષ્ટ રૂપે વ્યક્ત કરતા હતા. તેમણે પોતાના વ્યક્તિત્વમાં રહેલી મુખરતાનો ઉપયોગ દિલ્હીમાં ભાજપ માટે સારા પ્રભાવ માટે કર્યો. પૂર્વ ભારતીય ઓપનરે 2019ની સામાન્ય ચૂંટણીઓમાં પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પર જીત મેળવી. ખુશીની વાત છે કે તેમને ચાલુ વર્ષે પોતાના સ્વભાવ માટે વધારે સારી નોકરી મળી ગઈ છે, ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેની. 2004ના ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠૌરે 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓનાં જીત મેળવી અને રમતગમત અને યુવા બાબતોની સાથે સાથે સૂચના અને પ્રસારણ માટે કેન્દ્રીય મંત્રી તરીકે કાર્ય કર્યું. હવે જ્યારે કોંગ્રેસ ભાજપને પડકાર આપી રહી છે ત્યારે એવું માનવાને કારણ છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા પોતાના લડાયક કૌશલની તીક્ષ્ણ ધારનો ઉપયોગ રાજકીય ક્ષેત્રમાં કરશે.


  • Follow us on: