• આવકવેરા વિભાગ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર કરદાતાઓને અપીલ

  • ઊંચા દરે કર કપાતથી બચવા માટે PANને 31 મે, 2024 પહેલા આધાર સાથે લિન્ક કરો
  • એસએફટી (સ્ટેટમેન્ટ ઓફ સ્પેસિફાઇડ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન) માટેની ડેડલાઇન 31 મે, 2024 છે

આવકવેરા વિભાગે મંગળવારે કરદાતાઓને જણાવ્યું હતું કે તેઓ ઊંચા દરે કર કપાતથી બચવા માટે આગામી 31 મે પહેલાં પોતાના પાન નંબરને આધાર સાથે લિન્ક કરાવી લે. આવકવેરા વિભાગના નિયમો અનુસાર, જો પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) બાયોમેટ્રિક આધાર સાથે લિન્ક નહીં હોય તો લાગુ પડતા દર કરતા બમણા દરે ટીડીએસ કપાત જરૂરી રહે છે. ગયા મહિને જ આવકવેરા વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પડાયો હતો જેમાં કહેવાયું હતું કે જો એસેસી પોતાના PANને 31 મે સુધીમાં આધાર સાથે લિન્ક કરી લે તો શોર્ટ ડિડક્શન માટે કોઈપણ પ્રકારે એક્શન નહીં લેવામાં આવે. આવકવેરા વિભાગ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટ કરીને જણાવાયું હતું કે, ઊંચા દરે કર કપાતથી બચવા માટે, જો તમે હજુ સુધી ન કર્યું હોય તો, કૃપા કરીને તમારા PANને 31 મે, 2024 પહેલા આધાર સાથે લિન્ક કરો. એક અલગ પોસ્ટમાં આઇટી વિભાગે બેન્ક્સ, ફોરેક્સ ડીલર્સ સહિતના રિપોર્ટિંગ એકમોને પણ જણાવ્યું હતું કે તેઓ દંડથી બચવા માટે 31 મે સુધીમાં એસએફટી ફાઇલ કરે. આઇટી વિભાગે જણાવ્યું હતું કે, એસએફટી (સ્ટેટમેન્ટ ઓફ સ્પેસિફાઇડ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન) માટેની ડેડલાઇન 31 મે, 2024 છે. અને સમયસર સાચું ફાઇલિંગ કરીને દંડને ટાળો.


  • Follow us on: