- ભાજપના 'વન નેશન, વન ઇલેક્શન' ને સમર્થન યુસીસી મુદ્દે પહેલા વાતચીત કરવામાં આવે તે જરૂરી: કે.સી. ત્યાગી
- કેસી ત્યાગીએ આ નિવેદન કરીને ભાજપનો તણાવ વધારી દીધો
- કેસી ત્યાગીએ કહ્યું તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) સાથે કોઈ સમસ્યા નથી
એનડીએ સરકારની રચના થઈ નથી તે અગાઉ જ સાથી પક્ષો દ્વારા ચોંકાવનારા નિવેદનો આવી રહ્યા છે. જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે તેમનો પક્ષ 'વન નેશન, વન ઇલેક્શન' અને યુસીસી, એજન્ડાને સમર્થન આપે છે, પરંતુ અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવા માંગે છે, તેનું માનવું છે કે ચૂંટણી પર તેની અસર પડી હતી. અગ્નિપથ યોજના, જૂન 2022માં શરૂ કરવામાં આવી હતી, તેમાં ચાર વર્ષ માટે સેનામાં યુવાનોની ભરતી કરવામાં આવે છે, તે પૈકી 25%ને જાળવી રાખવામાં આવશે અને બાકીનાને મુક્ત કરવામાં આવશે. કેસી ત્યાગીએ આ નિવેદન કરીને ભાજપનો તણાવ વધારી દીધો છે, જેનું સમર્થન એનડીએ સરકારના અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ છે, તેણે એમ પણ કહ્યું છે કે તેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તે બધા સાથે વાતચીત કરવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે નીતીશકુમારે યુસીસી પર કાયદા પંચને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે તેની વિરુદ્ધ નથી પરંતુ વ્યાપક ચર્ચાની જરૂર છે. તેમણે દાવો કર્યો કે અમે વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં UCC લાગુ કરવામાં આવશે.
ગયા મહિને, ભૂતપૂર્વ આર્મી ચીફ્ જનરલ વી.કે.સિંહે સૂચવ્યું હતું કે ભરતીની પ્રથમ બેચ ચાર વર્ષની સેવા પૂરી કર્યા પછી અગ્નિપથ યોજનામાં કેટલાક ફેરફારો કરી શકાય છે. સિંહ માર્ચ 2010થી મે 2012 સુધી આર્મી ચીફ્ તરીકે કાર્યરત હતા. સાથી પક્ષોના આ પ્રકારના નિવેદનથી ભાજપ પક્ષ માટે સંકટ ઊભું થઈ શકે છે.










