દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે લાગેલી આગમાં બળી ગયેલી નોટોની રિકવરીનો મુદ્દો સમગ્ર દેશમાં જોર પકડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા રચાયેલી તપાસ સમિતિ આજે તપાસ માટે નવી દિલ્હીમાં તુગલક ક્રેસન્ટ રોડ પર જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી હતી. આ દરમિયાન મંગળવારે આ મુદ્દે સર્વપક્ષીય ફ્લોર લીડર્સની બેઠક મળી હતી.


રાજ્યસભાના અધ્યક્ષ સાથે આ સર્વપક્ષીય ફ્લોર લીડર્સની બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. હવે તમામ ફ્લોર લીડર પોતપોતાની પાર્ટીઓમાં ચર્ચા કરશે અને આ મુદ્દે તેમનો શું અભિપ્રાય છે તે જાણવાનો પ્રયાસ કરશે. આ મુદ્દે આગળ શું કરવું જોઈએ તે અંગે આજની બેઠકમાં કોઈ પરિણામ આવી શક્યું નથી. હવે ટૂંક સમયમાં બીજી બેઠક મળશે જેમાં આગળ શું કરવું તેની ચર્ચા કરવામાં આવશે.

શું છે કોંગ્રેસનું વલણ?

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચે એક દિવસ પહેલા એટલે કે સોમવારે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જસ્ટિસ વર્માના મુદ્દે કોંગ્રેસનું વલણ સામે આવ્યું હતું. કોંગ્રેસ પક્ષનું વલણ છે કે સમિતિએ મામલાની તપાસ કરતી વખતે મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમાં આ રોકડ કોની હતી અને તે ક્યાંથી આવી, શું આ મામલો કોઈ કેસ સાથે સંબંધિત છે, આ રોકડ રેકોર્ડમાં શા માટે નથી, ચલણ સળગવાની કોઈ એફઆઈઆર કેમ નથી અને તપાસ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી જસ્ટિસ વર્માને હોલ્ડ પર રાખવા જોઈએ.

તપાસ ટીમ લગભગ 45 મિનિટ સુધી નિવાસસ્થાને રોકાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ તપાસ સમિતિ જસ્ટિસ વર્માના ઘરે પહોંચી અને લગભગ પોણા કલાક સુધી ત્યાં રહી હતી. આ તપાસ ટીમમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જીએસ સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ અનુ શિવરામનનો સમાવેશ થાય છે. આ તપાસ ટીમ બપોરે 1 વાગ્યે ન્યાયાધીશના નિવાસસ્થાને પહોંચી હતી અને તપાસ કરી હતી. જેમાં હાલ વધુ સમાચાર પ્રાપ્ત થયા નથી.

શું છે સમગ્ર મામલો?

જસ્ટિસ વર્માના દિલ્હીના આવાસમાં 14 માર્ચે રાત્રે લગભગ 11 વાગ્યે આગ ફાટી નીકળી હતી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે સ્થળ પર પહોંચી ત્યારે તેમણે જે નજારો જોયો તે બધાને ચોંકાવી દીધા. કર્મચારીઓએ જોયું કે ત્રણથી ચાર બોક્સમાં રાખવામાં આવેલી ચલણી નોટોમાં આગ લાગી હતી, જેની માહિતી તાત્કાલિક ફાયર ડિરેક્ટર અને દિલ્હી પોલીસ કમિશનરને આપવામાં આવી હતી. આ પછી, દિલ્હી પોલીસ કમિશ્નરે તરત જ MHA અને ભારતના મુખ્ય ન્યાયાધીશને ત્યાંથી નોટોની રિકવરી વિશે જાણ કરી. આ પછી, સીજેઆઈએ આ મામલાની તપાસ માટે ત્રણ જજોની એક સમિતિની રચના કરી, જે હવે તપાસમાં લાગેલી છે. આ સાથે તેમણે કોઈ પણ ન્યાયિક તપાસ સોંપવાની મનાઈ કરવામાં આવેલ છે. 

 

  • Follow us on: