• નીતિ પંચની યાદીમાં તમિલનાડુ ત્રીજા તો ગોવા ચોથા ક્રમે

  • વીતેલા દશ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા : નીતિ આયોગ
  • ગરીબી નાબૂદીને મુદ્દે એસડીજી-1 પ્રાપ્ત કરવા માટે બે રાજ્યોને સુધારા કરવાની જરૂર છે

સામાજિક-આર્થિક અને પર્યાવરણની સ્થિતિના મૂલ્યાંકન આધારે નીતિ આયોગ દ્વારા રાજ્યો સંબંધી તૈયાર થયેલા અહેવાલમાં કેરળ અને ઉત્તરાખંડ મોખરે રહ્યા છે.

રેન્કિંગમાં બિહાર સૌથી છેલ્લા ક્રમે છે. નીતિ પંચ તરફથી શુક્રવારે જારી થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી દેશભરમાંથી લોકોને મોટી સંખ્યામાં ગરીબી રેખાથી બહાર લાવવામાં મદદ મળી છે.

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બી.વી.આર.સુબ્રમણ્યમે સતત વિકાસ લક્ષ્ય (એડીજી) 2023-24 સૂચકાંક અહેવાલ જારી કર્યો છે. આયોગે કહ્યું છે કે વીતેલા દશ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આયોગે કહ્યું છે કે ગરીબી નાબૂદીને મુદ્દે એસડીજી-1 પ્રાપ્ત કરવા માટે બે રાજ્યોને સુધારા કરવાની જરૂર છે. તેમાં બિહાર અને અરુણાચલપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોને વિકાસની રાહ પર લાવવા માટે આ અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અહેવાલમાં જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2023-24માં સમગ્ર એસડીજી સૂચકાંક વધીને 71 થઈ ગયો છે. વર્ષ 2020-21માં તે આંક 66 હતો. ગરીબી નાબૂદી, રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી, જળવાયુ પરિવર્તન સંબંધી કાર્યવાહીના મુદ્દે આમ સુધારો જોવા મળ્યો છે.

કેરલ- ઉત્તરખંડે મેળવ્યા પોઇન્ટ :

 લોકોના જીવનધોરણમાં સુધારો કરવાને મુદ્દે ઉત્તરાખંડ અને કેરળમાં સારું કામ થયું છે. ઉત્તરાખંડ અને કેરલે 79 પોઇન્ટ મેળવીને યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 78 પોઇન્ટ સાથે તામિલનાડુ ત્રીજા સ્થાને તો 77 પોઇન્ટ સાથે ગોવા ચોથા ક્રમે રહ્યું છે. યાદીમાં બિહાર (57 પોઇન્ટ), ઝારખંડ 62 પોઇન્ટ) અને નાગાલેન્ડ (63 પોઇન્ટ) ખૂબ પાછળના છેલ્લા ક્રમે રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરવામાં આવે તો ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર, પોંડિચેરી, આંદામાન-નિકોબાર અને દિલ્હીનો ટોચના પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાવેશ થાય છે.

અહેવાલ કઈ રીતે તૈયાર થાય છે :

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સામાજિક, આર્થિક અને પર્યાવરણ સંબંધી મુદ્દે થયેલા દેખાવની સમીક્ષા કરીને નીતિ આયોગ આ અહેવાલ તૈયાર કરે છે. વર્ષ 2018માં પ્રથમ અહેવાલ તૈયાર થયો હતો. ગરીબી નાબૂદી, ગુણવત્તા યુક્ત શિક્ષણ, માળખાકીય સુવિધામાં સુધાર, શહેરોમાં રહેવાની ટકાઉ વ્યવસ્થા, પર્યાવરણ સહિતના 16 મુદ્દે ચાલી રહેલી સરકારની યોજનાના માધ્યમથી થયેલા પરિવર્તનનો અને સુધારાનો અભ્યાસ કરીને આ અહેવાલ તૈયાર થાય છે.


  • Follow us on: