- દિલ્હી શરાબ ગોટાળા મામલે મનીષ સિસોદિયાને ઝટકો
- SCએ જામીન અરજી ફગાવી દીધી
- 6 થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરો - સુપ્રીમ કોર્ટ
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, પરંતુ આજે જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની જામીન અરજી ફગાવી દીધી હતી.
6 થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરો - સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને 6 થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સિસોદિયા ત્રણ મહિના પછી ફરી જામીન માટે આવી શકે છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતા કહ્યું છે કે 338 કરોડ રૂપિયાની મની ટ્રેલ સાબિત થઈ છે. મનીષ સિસોદિયાની ફેબ્રુઆરીમાં ઈડી અને સીબીઆઈ દ્વારા લિકર પોલિસી મામલે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે કર્યા હતા વેધક સવાલ
મહત્વનું છે કે 17 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે CBI અને EDને પૂછ્યું હતું કે સિસોદિયા પર લાગેલા આરોપો પર હજુ સુધી ચર્ચા કેમ શરૂ નથી થઈ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તમે કોઈને આ રીતે જેલમાં ન રાખી શકો. સિસોદિયાને પહેલા સીબીઆઈ અને પછી ઈડી દ્વારા લીકર સ્કેમ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.









