રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ અલાહાબાદ હાઇકોર્ટના ગત તારીખ 22 માર્ચના ચુકાદાને પડકારનારી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.
વાસ્તવમાં હાઇકોર્ટે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને રદ કરી દીધો હતો. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. એનસીપીસીઆરનું કહેવું છે કે મદરેસામાં બાળકોને આપવામાં આવતું શિક્ષણ વ્યાપક નથી અને તેથી તે શિક્ષણના અધિકાર અધિનિયમ (આરટીઇ), 2009ની જોગવાઈઓથી વિરુદ્ધ છે. આયોગે જણાવ્યું હતું કે મદરેસાઓમાં બાળકોને ઔપચારિક અને યોગ્ય ગુણવત્તા ધરાવતું શિક્ષણ આપવામાં આવતું નથી. મદરેસા શિક્ષણના અધિકારના કાયદા હેઠળ પણ નથી આવતાં તેથી ત્યાંના બાળકોને આરટીઇ એક્ટ હેઠળ મળતા લાભો મળતાં નથી. NCPCRએ વધુમાં જણાવ્યું હતું કે મદરેસામાં બાળકોને યોગ્ય શિક્ષણથી તો વંચિત રાખવામાં જ આવે છે પરંતુ વિકાસની વધુ સારી તકોથી પણ વંચિત રાખવામાં આવે છે.










