મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજય વિધાનસભાની 20મીએ યોજાયેલી ચૂંટણીના પરિણામો 23મીએ શનિવારે જાહેર કરવામાં આવશે. સવારે 8 કલાકે મત ગણતરીની શરૂઆત થવાની સાથે જ પરિણામો પણ જાહેર થવા લાગશે. બપોર સુધીમાં કયા રાજ્યમાં કોને બહુમતી મળશે અને કોની સરકાર રચાશે તેવો વરતારો જાણી શકાશે. મહારાષ્ટ્ર આર્થિક અને રાજકીય રીતે મોટું કદ ધરાવતું રાજ્ય છે. અહીં જેની સરકાર રચાય તે પાર્ટીનું કેન્દ્રમાં પણ કદ વધે છે અને મહત્ત્વના નિર્ણયો લેવામાં તે ખાસ ભૂમિકા નિભાવે છે. બંને રાજ્યોમાં મતદાન પૂરું થયા પછી જાહેર કરવામાં આવેલા ઍક્ઝિટ પોલમાં NDA અને તેનાં સાથી પક્ષોને બહુમતી મળે અને તેનાં દ્વારા સરકાર રચવામાં આવે તેવી અટકળો સેવાઈ રહી છે. જો કે હરિયાણાના એક્ઝિટ પોલ ખોટા પડયા પછી લોકોએ હવે તેનાં પર વધુ વિશ્વાસ મૂકવાનું ટાળ્યું છે. બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે પંજાબ, કેરળ, ઉત્તરાખંડ અને યુપીની કેટલીક સીટો પર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી જેનાં પરિણામ પણ શનિવારે જ જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 81 સીટ માટે મતદાન : મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 81 સીટ માટે 20મીએ મતદાન યોજાયું હતુ. આ તમામ સીટો માટે શનિવારે પરિણામ જાહેર કરાશે. ઝારખંડની 81 સીટ માટે 13મી અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં તમામ 288 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થયું હતું. બંને રાજ્યોનાં દિગ્ગજ રાજકારણીઓના ભાવિનો શનિવારે ફેંસલો થશે. ઝારખંડમાં હાલ હેમંત સોરેનની સરકાર સત્તા પર છે ત્યાં તેમને ફરી સત્તા સંભાળવા જનાદેશ મળે છે કે કેમ તેનો લોકોને ઈન્તઝાર છે. મહારાષ્ટ્રમાં એક તરફ ભાજપ, શિવસેના શિંદે ગ્રૂપ અને એનસીપી અજિત પવાર ગ્રૂપની મહાયુતિ સરકાર ફરી સત્તા સંભાળવા થનગની રહી છે. બીજી તરફ કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને એનસીપી શરદ પવાર ગ્રૂપ સાથેની મહાવિકાસ અઘાડી પણ સત્તા હાંસલ કરવા થનગની રહી છે.










